'મેં પતરું તોડતા 15 લોકો બચ્યાં, પેટ્રોલના કેન પડ્યા હતા', રાજકોટ અગ્નિકાંડમાં પ્રત્યક્ષદર્શીનો ઘટસ્ફોટ
Rajkot Game Zone Fire: રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયા છે. જ્યારે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી, ત્યારે દક્ષ કુંજડિયા હાજર હતો. આ ઘટનાને લઈને તેમણે જણાવ્યું કે, 'ઈમરજન્સી ગેટની નીચે જ આગ લાગી હતી. તેથી ત્યાંથી નીકળી શકાય તેમ હતું નહીં. મુખ્ય દરવાજા લોક થઈ ગયા હતા. મેં પતરું તોડ્યું તો મારી સાથે બીજા 15 લોકો કૂદકા મારીને ત્યાંથી નીકળી શક્યા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર પેટ્રોલના કેન પડ્યા હતા અને વેલ્ડિંગનું કામ પણ ચાલુ હતું.'
પ્રત્યક્ષદર્શીએ વર્ણવી સમગ્ર ઘટના
રાજકોટ અગ્નિકાનમાં પ્રત્યક્ષદર્શી દક્ષ કુંજડિયાએ જણાવ્યું હતું કે, 'હું અને મારો 10 વર્ષીય કઝિન બોલિંગ કરવા માટે ગયા હતા. અમે બોલિંગ કરી રહ્યાં હતા ત્યારે આગ લાગી હતી. ત્યાંનો સ્ટાફ અમને ઇમરજન્સી એક્ઝિટ પાસે લઇ ગયો હતો. આગ જે લાગી હતી તે ઇમરજન્સી એક્ઝિટ પાસે જ લાગી હતી. અમારો ઇમરજન્સી ગેટ અને એન્ટ્રી ગેટ બધુ બંધ થઇ ગયું હતું. અમારી પાસે બહાર નિકળવા માટે કોઇ ઓપ્શન ન હતું. મે કોર્નરમાં પતરું તોડીને હું અને 15 લોકો બહાર નીકળી ગયા હતા. નાના બાળકો ટ્રેમ્પોલિંગ પાર્કમાં હતા. બોલિંગમાં એન્ટ્રી અને એક્ઝિટ માટેનો એક જ ગેટ હતો. જે કાચનો હતો. તેમાં રબ્બરની પ્લેટ લાગી હતી જે ગરમ થવાથી ચોંટી ગઇ હતી અને તેના કારણે ગેટ ખુલી શક્યો ન હતો. ત્યાં કોઇ ફાયર એક્સિક્યુઝન હતા નહીં. તેમનો સ્ટાફ અમારી જોડે લોક થઇ ગયો હતો. ધૂમાડો એટલો હતો કે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.'
શનિવારે ગેમિંગ ઝોનમાં રૂ. 99ની ટિકિટ હતી
રાજકોટમાં શનિવારે બનેલી અગ્નિકાંડની દુર્ઘટનામાં હવે એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ગેમ ઝોનમાં શનિવારે આ ગેમિંગ ઝોનમાં 99 રૂપિયાની ટિકિટ રખાઈ હતી, જેનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. એન્ટ્રી કરનાર દરેક લોકો પાસેથી એક ફોર્મમાં સહી લેવામાં આવતી હતી. આ ફોર્મમાં ઘણી શરતો રાખવામાં આવી હતી. આ શરતો સ્વીકાર્યા પછી જ લોકોને ગેમ ઝોનની અંદર પ્રવેશ આપવામાં આવતો હતો.
આ પણ વાંચો: રાજકોટના ભડકે બળેલા ગેમ ઝોનમાંથી દારૂની બોટલો મળી, ગેમની આડમાં પાર્ટીઓની આશંકા