હવે ગુજરાતના પ્રસિદ્ધ ડાકોર મંદિરની પ્રસાદીમાં 'ભેળસેળ'ની ફરિયાદ, તપાસની માગ કરતી પોસ્ટ વાયરલ
Dakor Temple Prasadi Controversy: હવે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજી મંદિરમાં અપાતી લાડુની પ્રસાદીની તપાસ કરવાની માંગથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે. આ માગ કોઈ સામાન્ય વ્યક્તિએ નહીં, પરંતુ મંદિરના જ સેવકે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકીને કરી છે. ડાકોરના રણછોડરાયજી મંદિરના સેવકે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી છે, જેના કમેન્ટ સેક્શનમાં લાડુ પ્રસાદીનો વીડિયો પણ અપલોડ કરાયો છે.
પહેલા જામખંભાળિયાનું ઘી આવતું, ત્યારે લાડુ બગડતા ન હતા: સેવક
આ સેવકે દાવો કર્યો છે કે, પહેલા ડાકોર મંદિરમાં જામખંભાળિયાનું ઘી આવતું હતું, ત્યારે મહિના સુધી લાડુને કંઈ થતું ન હતું. અત્યારના ઘીથી લાડુમાં ચાર-પાંચ દિવસમાં જ વાસ આવવા માંડે છે અને લાડુ વળતા પણ નથી. સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી આ પોસ્ટ ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો : હવે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરના લાડુની શુદ્ધતા પર ઉઠ્યા સવાલ, જાણો શું થયો વિવાદ
અમૂલ ઘીનો રિપોર્ટ આવ્યા બાદ પ્રસાદ બને છે: મંદિર અધ્યક્ષ
આ અંગે ડાકોર મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ પરિન્દુ ભગતે કહ્યું છે કે, ‘મંદિરના પ્રસાદમાં ત્રણ વસ્તુનો ઉપયોગ કરાય છે. ઘઉંનો લોટ મધ્ય પ્રદેશથી મંગાવાય છે. સાકરમાં કોઈ ભેળસેળ થાય નહીં. ઘીનો પ્રશ્ન મારા આવ્યા પછી થતો નથી કારણ કે, અમે અમૂલ ઘીનો જ ઉપયોગ કરીએ છીએ. ઘીના જથ્થાનો એનડીડીબીનો રિપોર્ટ હોય છે, જેથી ડાકોર મંદિરના પ્રસાદમાં ભેળસેળનો સવાલ જ નથી.