દાહોદ પોલીસે ડ્રોનની મદદથી પકડ્યો ચોર, મંદિરમાં ચોરી કરવા આવેલો ચોર ડ્રોન જોઈ ભાગ્યો હતો
Dahod Police: દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વરોડ ગામે આવેલા મંદિરમાં થયેલી ચોરીના કેસમાં પોલીસે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસ ટીમના આ ઓપરેશનને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવ્યા હતા.
રૂ.60 હજારથી વધુનો મુદ્દામાલ ચોરી કર્યો હતો
મળતી માહિતી અનુસાર, વરોડ ગામે મહાદેવ મંદિરમાંથી તસ્કરોએ દાગીનાઓની ચોરી કરી હતી. તસ્કરોએ મંદિરના દરવાજાનું તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને દાનપેટીમાંથી રોકડ રકમ ઉપરાંત શિવલિંગ પરનું ચાંદીનું કોટિંગ અને ભગવાનના આભૂષણો મળી કુલ 61,500 રૂપિયાનો મુદ્દામાલ ચોરી કર્યો હતો. વહેલી સવારે મંદિરના દરવાજાની તૂટેલી હાલત જોઈને સ્થાનિક લોકોએ લીમડી પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધી હતી.
આ પણ વાંચો: GPSCએ જાહેર કર્યું વર્ષ 2025 માટેનું ભરતી કેલેન્ડર, Dyso, STI, ક્લાસ-1 માટે કરાશે ભરતી
એલસીબી પોલીસે ડ્રોન કેમેરાની મદદથી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં તસ્કરોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસની આ કામગીરીને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી હતી અને દાહોદના એસપી તથા તેમની ટીમને અભિનંદન પાઠવ્યાં હતા.