ડભોઇ વાઘોડિયા રીગરોડ પર નશેબાજ ડમ્પર ચાલકે પોલીસ પુત્રને કચડી નાંખતા સ્થળ પર જ મોત
ડમ્પરની નીચે બાઇક ફસાયું હોવાછતાંય ડ્રાઇવર ૩૦ ફૂટ સુધી બાઇકને ઢસડી ગયો
વડોદરા,ડભોઇ વાઘોડિયા રીંગ રોડ પર ગઇકાલે રાતે બાઇક સવાર મિત્રોને નશેબાજ ડમ્પર ચાલકે પાછળથી ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાયા હતા. અકસ્માત થયા પછી પણ ડમ્પર ચાલક તેઓને ૩૦ ફૂટ ઢસડી ગયો હતો. બે પૈકીના એક મિત્રનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય મિત્રને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ડભોઇ વાઘોડિયા રીંગ રોડ સુખધામ રેસિડેન્સીની બાજુમાં ગીત ટેનામેન્ટમાં રહેતા ખુલજીભાઇ જગુભાઇ રાઠવા શહેર પોલીસની ટ્રાફિક શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. તેમનો નાનો દીકરો નારાયણ વિદ્યાલયમાં ધો.૧૧ કોમર્સમાં અભ્યાસ કરે છે.
ગઇકાલે રાતે નવ વાગ્યે તેઓ નોકરીથી છૂટીને ઘરે આવ્યા હતા. તેમના સસરાનું એક મહિના પહેલા જ અવસાન થયું હોઇ તેઓ જમી પરવારીને પત્ની સાથે સાસુના ઘરે મળવા ગયા ડભોઇ રોડ સોમા તળાવ ગયા હતા. તેમનો દીકરો જયંત તેના મિત્ર કાર્તિક સાથે સોમા તળાવ ખાતે ઝેરોક્ષ કઢાવવા માટે બાઇક લઇને ગયા હતા. ઝેરોક્ષ કઢાવીને તેઓ ઘરે પરત જતા હતા. સોમા તળાવ રોડ પરથી કૃત્રિમ તળાવ તરફ વળવા જતા હતા. તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલા એક ડમ્પરના ચાલકે બાઇકને ટક્કર મારતા બંને મિત્રો ઉછળીને દૂર ફંગોળાઇ ગયા હતા.જયંત રોડ પર પડતા તેના કમરના ભાગેથી ડમ્પરનું વ્હીલ ફરી વળ્યું હતું. તેના શરીરના ફૂરચા થઇ ગયા હતા. ડમ્પરની આગળના ભાગે બાઇક ફસાઇ ગયું હોવાછતાંય ડમ્પર ચાલક બાઇકને ૩૦ ફૂટ દૂર ઢસડી ગયો હતો. લોકોએ બૂમો પાડવા છતાંય ડમ્પર ચાલક અટક્યો નહતો. ત્યારબાદ લોકોએ પીછી કરીને ડમ્પર અટકાવી ચાલકને નીચે ઉતાર્યો હતો. ડમ્પર ચાલકે દારૃનો નશો કર્યો હોવાનું જણાઇ આવ્યું હતું. જયંતને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પંરતુ, સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. જ્યારે કાર્તિક સારવાર હેઠળ છે. કપુરાઇ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એમ.કે.કટારિયાએ વધુ તપાસ હાથ ધરી છે.
નશેબાજ ડ્રાઇવર રેતીના ફેરા મારતો હતો
વડોદરા,નશેબાજ ડમ્પર ચાલક મુકેશ બહાદુરભાઇ માલ વાઘોડિયા ચોકડી સમ્રાટ હોટલ પાસે રહે છે. તેનું મૂળ વતન રાજસ્થાનના બાંસવાડા જિલ્લાનું કરંદીયા ગામ છે. તે છેલ્લા પાંચ વર્ષથી ડ્રાઇવિંગ કરે છે. વડોદરામાં તે છેલ્લા પાંચ મહિનાથી આવ્યો છે. વરણામામાં રહેતા વનરાજસિંહના ડમ્પર પર તે ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. ડમ્પરમાં રેતીના ફેરા મારતો હતો.
ડમ્પર ચાલકો પર અંકુશ લાવવામાં પોલીસ નિષ્ફળ
વડોદરા,રેતીના ડમ્પરો વધારે ફેરા મારવાની ઉતાવળમાં પૂરઝડપે વાહનો હંકારતા હોય છે. ટુ વ્હીલર ચાલકો જ સૌથી વધુ ભોગ બનતા હોય છે. ગઇકાલે જ ટુ વ્હીલર ચાલકો પાસેથી સ્થળ પર જ દંડ વસુલવા માટે નેટ બેન્કિંગ અને ઓનલાઇન પેમેન્ટની શરૃઆત કરી છે. પરંતુ, તેમની સુરક્ષા માટે કોઇ જ અસરકારક કાર્યવાહી થતી નથી. બેફામ દોડતા ડમ્પર ચાલકો પર પોલીસ અંકુશ લાવી શકતી નથી.