ડભોઇ પાલિકા ભાજપ પ્રમુખની રેતી ભરેલી બે ટ્રક ઝડપી પાડી
ઓરસંગના પટમાં પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં ધમધમતું ગેરકાયદે રેતી ખનન
ડભોઇ,ડભોઇ નગરપાલિકાના ભાજપના પ્રમુખ બિરેન શાહની ગેરકાયદે રેતી ખનન બાદ રેતી ભરેલી બે ટ્રક ઝડપી પાડવામાં આવી છે. કોંગ્રેસના સભ્યે ઝડપી પાડેલી ત્રણ ટ્રકમાંથી બે બિરેન શાહના નામની છે.
ડભોઇની ૬૦ હજારની વસ્તીને પીવાનું પાણી ઓરસંગ નદીના પટમાં કરણેટ ગામ પાસે વોટર વર્કર્સ સ્થિત વારિગૃહથી અપાય છે. આ વિસ્તાર પ્રતિબંધિત ઝોન છે, અને અહીં ઘણાં ટયુબવેલો છે. પ્રતિબંધિત ઝોન હોવા છતાં ગેરકાયદે રેતીખનન થતું રહે છે
કોંગ્રેસના પાલિકા સદસ્યને પ્રતિબંધિત વિસ્તારમાં રેતીખનન થતુ હોવાની જાણ થતાં કરણેટ વારિગૃહ પહોંચ્યા હતા. તેમણે ૧૦૦ નંબર પર ફોન કરતા પોલીસે ત્યાં પહોંચીને રેતી ભરેલી બંને ગાડીનો કબજો મેળવ્યો હતો. સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી પાડી ખાણ ખનીજ ખાતાને જાણ કરી હતી.
રાતના સમયે રેતીખનન કરવું નહીં તેમ ખાણ ખનીજ ખાતા દ્વારા જાહેર કરાયું છે, પણ રેતી માફિયાઓ બેધડક રેતી ઉલેચી રહ્યા છે.
ગત રાત્રે કોંગ્રેસી સદસ્ય સ્થળ પર પહોંચ્યા હતા અને પોલીસને બોલાવી રેતી ભરેલી ત્રણ ટ્રકને રોકાવી પોલીસને સુપ્રત કરાવી હતી. જેની તપાસ કરતા ત્રણ પૈકી બે ટ્રક બિરેન શાહના નામની જ હોવાની વિગતો બહાર આવી હતી. જેથી તાત્કાલિક તેનું વજન કરાવી ટ્રકો જપ્ત કરાઇ હતી.