ડભોઇ મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેંકના તત્કાલીન મેનેજર સુરેશ પટેલના આગોતરા નામંજૂર
રૃ. 3.15 કરોડની ઉચાપતના કેસમાં સુરેશ પટેલ ફરાર હોવાથી તેની સામે રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી છે
શિનોર : ડભોઇ સ્થિત શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેન્ક માં તત્કાલિન મેનેજર ,આસિસ્ટન્ટ મેનેજર અને ઓફિસર દ્વારા રૃ. ૩.૧૫ કરોડની ઉચાપતની ફરિયાદ ડભોઇ પોલીસ સ્ટેશને નોંધાયેલ હતી આ કેસમાં બે આરોપીઓની ધરપકડ થઇ ચુકી છે જ્યારે મુખ્ય આરોપી સુરેશ પટેલ દ્વારા ડભોઇની એડિશનલ સેસન કોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કરેલ તે કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.
શ્રી મહાલક્ષ્મી બેંકના મેનેજર સુરેશ છોટાભાઈ પટેલ (ધાવટ વાળા) તથા આસિસ્ટન્ટ મેનેજર યતીન જોશી અને ઓફિસર ઉમેશ કંસારા દ્વારા બે ડોરમેટ ખાતામાંથી રૃ. ૩.૧૫ કરોડ ઉપાડીને છેતરપિંડી કરી હતી ,તે અંગેની ફરિયાદ ડભોઇ પોલીસ સ્ટેશનને નોંધાયેલ હતી. અને જે તે સમયે આસિસ્ટન્ટ મેનેજર યતીન જોશી અને ઓફિસર ઉમેશ કંસારાની ધરપકડ થઇ ચુકે છે અને હાલ જામીન મુક્ત છે. દરમિયાન મેનેજર સુરેશ પટેલ દેશ છોડીને ભાગી ગયા હતા એટલે તેની સામે સીઆરપીસી એક્ટ ૭૦ હેઠળવોરંટ જારી કરીને રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવેલ છે અને જામીનમુક્ત બે આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ છે, જે ચાર્જશીટ માં સુરેશ પટેલને ફરાર આરોપી દર્શાવેલ છે.
સુરેશ પટેલના એડવોકેટ દ્વારા ડભોઇની એડીશનલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કરવામાં આવી હતી. જેમાં ફરિયાદીના વકીલ દ્વારા જામીન અરજીનો વિરોધ કરતા કારણો રજુ કરાયા હતા કે સુરેશ પટેલ મુખ્ય આરોપી છે તેની સામે ગંભીર આક્ષેપો છે. કેસની તપાસ ચાલી રહી હોવાથી આગોતરા જામીન આપવામાં આવે તો આરોપી તપાસમાં મુશ્કેલી ઊભી કરી શકે છે અને પુરાવાઓ સાથે છેડછાડ કરીને તપાસમાં અડચણ ઊભી કરી શકે છે. આ દલીલોને ગ્રાહ્ય રાખીનેસેકન્ડ એડિશનલ સેશન જ્જ દ્વારા આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.