ખેડાના કઠવાડા ગામમાંથી ડબ્બા ટ્રેડિંગનું કોલ સેન્ટર ઝડપાયું
લાયસન્સ વગર ભાડાના મકાનમાં ચાલતું હતું
માર્કેટના એડવાઈઝર એજન્ટની ખોટી ઓળખ આપી 4 શખ્સો લોકો સાથે ઠગાઇ કરતા હતા
ખેડા એલસીબી પેટ્રોલિંગમાં હતી. ત્યારે ખેડાના કઠવાડા ગામમાં પ્રાથમિક શાળા સામેના ભાડાના મકાનમાં પોલીસે દરોડો પાડયો હતો. જેમાં ૪ શખ્સો કેતન ઉર્ફે લાલો ભીખાજી ઠાકોર (રહે. વેજલપુર, અમદાવાદ), સાહિલ લલિત સોલંકી (રહે.વેજલપુર, અમદાવાદ), ધવલ નરેશ જાદવ (રહે.મલેકપુર, મહેસાણા), નીકુલ ચંદુજી ઠાકોર (રહે.મલેકપુર, મહેસાણા) ઝડપાયા હતા. તમામ ઈસમો પોતે સ્ટોક માર્કેટના એડવાઈઝર એજન્ટ હોવાની ખોટી ઓળખ આપી ગ્રાહકોને ફોન કરી શેર બજારમાં વધુ કમાણી કરી આપવાની ટિપ્સ આપી ઠગાઈ કરવાના આશયથી ઓનલાઇન રૂપિયા મેળવી છેતરપિંડી આચરતા હોવાનું ખૂલ્યું હતું.
એક અંશે મોટી રકમ પડાવી હોવાની પોલીસે શક્યતા દર્શાવી છે. જે દિશામાં પોલીસે આ ચારેય શખ્સો સામે આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ૧૩ નંગ મોબાઇલ, એક્ટિવા સહિત ૯૬,૨૦૦નો મુદ્દામાલ કબજે કરી તપાસના ચક્રોગતિમાન કર્યા છે.