સરકારી કર્મચારી, પેન્શનરોના DA માં જાન્યુઆરીથી ચાર ટકાનો વધારો
- છ માસની તફાવત રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવાશે
- રાજ્યસેવા અને પંચાયત મળી 4.71 લાખ કર્મચારીઓ અને 4.73 લાખ પેન્શનર્સને લાભ : 1130 કરોડનો બોજ
ગાંધીનગર : ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જેનો અમલ ૧લી જાન્યુઆરી ૨૦૨૪થી થશે. એટલે કે કર્મચારી અને પેન્શનરોને છ મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવાશે.
આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ૪.૭૧ લાખ કર્મચારીઓ અને અંદાજે ૪.૭૩ લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે. મોંઘવારી ભથ્થાની ૧લી જાન્યુઆરીથી ૩૦મી જૂન સુધીની એરિયર્સની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે.
નાણા વિભાગે કરેલા નિર્ણય પ્રમાણે જાન્યુઆરી તથા ફેબ્રુઆરી મહિનાની તફાવતની રકમ જુલાઈના પગાર સાથે, માર્ચ અને એપ્રિલની તફાવતની રકમ ઓગષ્ટના પગાર સાથે તેમજ મે અને જૂનના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બરના પગાર સાથે ચૂકવવામાં આવશે.
રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને ૧૧૨૯.૫૧ કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે.