સુરતના વરાછામાં સિલિન્ડર બ્લાસ્ટ, ધડાકો થતાં સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ
Fire in Surat : રાજ્યમાં સતત આગની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતના વરાછામાં આવેલા એક ગાડાઉનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. વરાછા વિસ્તારમાં આવેલી વૈભવ લક્ષ્મી રેસિડેન્સીની પાછળ એકાએક ગેસ સિલિન્ડરમાં ધડાકો થતાં સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર વૈભવ લક્ષ્મી રેસિડેન્સીની પાછળ પતરાના શેડમાં ચાલતાં ફર્નિચરના ગોડાઉનમાંજોરદાર ધડાકો થયો હતો, અને ત્યાર બાદ આગ ફાટી નીકળી હતી. આગ લાગી હોવાની જાણ કરવામાં આવતાં ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
ગોડાઉનમાં કેમિકલ હોવાથી પ્રસરી આગ
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વરાછા વિસ્તારમાં વૈભવ રેસિડેન્સી પાસે આવેલા ગોડાઉનમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. ગોડાઉનમાં કેમિકલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ બની ગઇ હતી કે બે કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. અચાનક બ્લાસ્ટ થતાં સ્થાનિક રહીશોમાં દોડધામ મચી જવા પામી હતી. પ્રચંડ ધડાકાના લીધે આસપાસના વિસ્તારમાં ઓફિસ અને મકાનોની બારીઓના કાચ તૂટી ગયા હતા.
લોખંડની તિજોરી બનાવવાનું કરાતું હતું કામ
ફાયર બ્રિગેડના કર્મચારીના જણાવ્યા અનુસાર ગોડાઉનમાં લોખંડની તિજોરી બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું હતું. આ ગોડાઉનમાં મોટા પ્રમાણમાં કેમિકલ હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી અને આખું ગોડાઉન રાખમાં ફેરવાઇ ગયું હતું. હાલમાં એક અનુમાન મુજબ ગોડાઉનમાં કામ કરતા મજૂરો ગેસનો ઉપયોગ કરતાં હોવાથી ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન છે. જોકે સમગ્ર માહિતી તપાસ બાદ બહાર આવશે.