રજાના દિવસે પણ સિગ્નસ અને ફિનિક્સ સ્કૂલ ચાલું રાખવામાં આવતા હોબાળો
વડોદરાઃ આજે ગૂડ ફ્રાઈડેની રજા હોવા છતા વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલ અને મકરપુરા વિસ્તારમાં આવેલી ફિનિક્સ સ્કૂલ ચાલુ રાખવામાં આવી હતી.
મળતી વિગતો પ્રમાણે હરણી વિસ્તારની સિગ્નસ સ્કૂલ ચાલુ હોવાની જાણકારી મળતા યૂથ કોંગ્રેસના કાર્યકરો સ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો.જોકે સ્કૂલ સંચાલકોએ તરત જ પોલીસ બોલાવી લીધી હતી.પોલીસની હાજરીમાં જ યૂથ કોંગ્રેસના કાર્યકરોની સ્કૂલના પ્રિન્સિપાલ સાથે સ્કૂલ ચાલુ રાખવાના મુદ્દે ટપાટપી થઈ હતી.એ પછી જોકે સ્કૂલ સંચાલકોએ સ્કૂલ છોડી દીધી હતી.
જ્યારે મકરપુરા વિસ્તારની ફિનિક્સ સ્કૂલ પણ ચાલુ રાખવામાં આવી હતી.જેને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા ડીઈઓ કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિના દિવસે પણ આ સ્કૂલ ચાલુ રાખવામાં આવી હતી.સ્કૂલ સંચાલકોની દલીલ હતી કે, વિદ્યાર્થીઓને જેઈઈ અને નીટની તૈયારી કરાવવા માટે બોલાવવામાં આવ્યા છે.
જોકે રજાના દિવસે સ્કૂલો ચાલુ રાખવાની ઘટનાઓથી સાબિત થઈ રહ્યું છે કે, ખાનગી સ્કૂલોના સંચાલકો સરકારના નિયમો અને ડીઈઓ કચેરીને ગાંઠતા નથી અથવા તો તેમને ડીઈઓ કચેરીના સીધા આશિર્વાદ છે.