Cyclone Biparjoy : વાવાઝોડાને પગલે જામનગરમાં 100 વર્ષ જૂની જર્જરીત ઈમારત તોડાઈ
જામનગરના જુના રેલ્વે સ્ટેશનની જુની ઈમારતને આજે મહાનગરપાલિકાની ટીમ દ્વારા જમીનદોસ્ત કરાઈ
ઈમારત તોડતી વખતે માર્ગને થોડા કલાકો માટે બંધ રખાયો : છેલ્લા 30 વર્ષથી ઈમારતનો ઉપયોગ બંધ હતો
જામનગર, તા.12 જૂન-2023, સોમવાર
જામનગરના જુના રેલ્વે સ્ટેશન વાળી એક સૈકા જુની અને બંધ હાલતમાં રહેલી જર્જરીત ઈમારતને આજે મહાનગરપાલિકાની ટીમ દ્વારા તોડી પાડી જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી.
જામનગરમાં સંભવિત વાવાઝોડાના પગલે તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને જર્જરીત અને ભયજનક ઇમારતોને જમીનદોસ્ત કરવામાં આવી રહી છે.
જામનગર શહેરની જૂના રેલ્વે સ્ટેશન વાળી અને હાલમાં ખંઢેર હાલતમાં રહેલી લગભગ ૧૦૦ વર્ષ જૂની ઇમારતને આજે મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવી હતી.
જામનગરના મહાનગરપાલિકાની ટીમનો કાફ્લો હિટાચી, જેસીબી અને ટ્રેક્ટર જેવી સાધન સામગ્રી સાથે જૂના રેલ્વે સટેશન પહોંચ્યો હતો અને સ્ટેશનનું જર્જરીત બાંધકામ તોડી પાડ્યું હતું. આ સમયે માર્ગને થોડા કલાકો માટે બંધ રાખવામાં આવ્યો હતો, જેથી માનવીય નુકશાન ટાળી શકાય.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દાયકાથી આ સ્ટેશનનો વપરાશ બંધ કરવામાં આવ્યો છે અને ગાંધીનગર વિસ્તારમાં નવું સ્ટેશન કાર્યરત કરાયુ છે. આ પછી બંધ હાલતમાં અને ખંઢેરમાં ફેરવાઈ ગયેલી આ ઈમારતમાં ગેર કાનૂની પ્રવૃત્તિ થતી હતી તથા ગંદકીમાં સામ્રાજ્ય જોવા મળતું હતું. પરંતુ રેલ્વેની મિલકત હોવાથી પડતોડ થઈ શકતી ન હતી. આખરે વાવાઝોડાની આગાહીમાં આખરે જૂના સ્ટેશનવાળી ઈમારતને તોડી પાડવામાં આવી હતી.