Get The App

અસના વાવાઝોડું : હવામાન વિભાગે કહ્યું 78 વર્ષ બાદ ગુજરાતમાં આવી આગાહી, જાણો ક્યાં સૌથી વધુ ખતરો

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
Cyclone Asna


Cyclone Asna : ગુજરાત પર મેઘ તાંડવના કારણે જાણી માઠી દશા બેસી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. એક તરફ જ્યાં ડીપ ડિપ્રેશનના કારણે અવિરત વરસાદના કારણે અનેક જિલ્લામાં પૂર આવ્યું છે ત્યાં હવે અસના નામનું વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. કેન્દ્રીય હવામાન ખાતા દ્વારા લોકોને ઍલર્ટ રહેવાની ચેતવણી આપવામાં આવી છે. 

અસના વાવાઝોડાનો ખતરો 

છેલ્લા ચાર દિવસથી મેઘરાજાની તોફાની બેટિંગના કારણે ગુજરાતમાં 30થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. પૂરના કારણે લોકો ઘરવખરી છોડવા મજબૂર બન્યા છે. NDRF અને વાયુસેના દ્વારા સતત પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવામાં આવી રહ્યા છે. 

ગુજરાતમાં કુદરતનો ડબલ ઍટેક? 

હવામાન વિભાગ દ્વારા કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં અતિભારે વરસાદનું રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદના કારણે શાળા કૉલેજો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.  અરબ સાગરમાં અસના નામના વાવાઝોડાના કારણે ચિંતા વધી છે. 

હવામાન વિભાગે શું કહ્યું? 

મોસમ વિભાગ દ્વારા આશંકા દર્શાવવામાં આવી છે કે અસના વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે લૅન્ડફોલ કરી શકે છે. કચ્છના માંડવી તાલુકામાં વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળશે. ભારે પવન સાથે અતિભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 

78 વર્ષ બાદ આવી ગંભીર સ્થિતિ 

નોંધનીય છે કે કચ્છમાં સામાન્ય રીતે 499 મિલિમિટર વરસાદ થાય છે પણ આ વર્ષે અત્યાર સુધીમાં 800 મિલિમિટર વરસાદ વરસી ચૂક્યો છે. આટલું જ નહીં 1946 બાદ પહેલીવાર ઑગસ્ટ મહિનામાં વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છમાં ત્રાટકી શકે છે. એવામાં હવામાન વિભાગનું માનવું છે કે આ અત્યંત ગંભીર વિષય છે. અસના વાવાઝોડું વિકરાળ રૂપ ધારણ કરે તો પરિસ્થિતિ અત્યંત ભયજનક થઈ શકે છે. 

ગુજરાત પર ખતરો નહીં: પરેશ ગોસ્વામી 

જો કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવી રહ્યા છે કે, અસના વાવાઝોડું નબળું પડી જશે અને ગુજરાત પર ગંભીર અસર થશે નહીં. પરેશ ગોસ્વામી અનુસાર ગુજરાતના લોકોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે વાવાઝોડું છથી દસ કલાકમાં નબળું પડીને વિખેરાઈ જશે અને પશ્ચિમ દિશા તરફ આગળ વધી જશે. 



Google NewsGoogle News