જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે સાયબર વર્કશોપ યોજાયો
Jamnagar Police Cyber Seminar : જામનગર શહેર અને જિલ્લામાં જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને લગતા ગુનાઓ અને તેને લગતી જરૂરી માહિતી પૂરી પાડવાના ભાગરૂપે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટરમાં સાયબર વર્કશોપ યોજવામાં આવ્યો હતો, અને જુદા જુદા પોલીસ કર્મચારીઓને સાયબર ક્રાઈમને લગતી જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી.
જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તરફથી જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના નોડલ અધિકારીઓ તથા જિલ્લામાં સાયબર ક્રાઇમ લગત અરજીઓ તેમજ ગુનાઓની તપાસ પરિણામલક્ષી થાય તેમજ તાબાના સ્ટાફને સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુસર ગઈકાલે જામનગરના પોલીસ હેડ ક્વાર્ટરમાં સાઇબર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરના જિલ્લા પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલુ અને જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કવાર્ટરના તાલીમ ભવનમાં સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેકટર આઇ.એ.ઘાસુરા તેમજ પોલીસ સબ ઇન્સ. એચ.કે.ઝાલા અને કોન્સ્ટેબલ રાજેશ દુદાભાઈએ જિલ્લામાં સાયબર નોડલ તરીકે નિમણૂક પામેલાં પોલીસ સબ ઇન્સ્પેકટર તેમજ કર્મચારીઓને પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિવિધ મુદ્દાઓ અંગે વિગતવાર સમજણ આપી હતી.
જેમાં સાયબર ક્રાઈમના વિવિધ પ્રકારો અને તેની ટેકનિકો વિશે જાણકારી આપી હતી, સાયબર ક્રાઈમની તપાસ અને પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા સમજાવી હતી.
ઉપરાંત નેશનલ સાયબર ક્રાઈમ રિપોટિંગ પોર્ટલનો ઉપયોગ કરવાની રીત સમજાવી હતી, અને સાયબર સુરક્ષાના નિયમો અને કાયદાઓ વિષે છણાવટ કરી હતી.
તે ઉપરાંત સાયબર ક્રાઈમના પીડિતોને મદદ કરવા માટે જરૂરી કુશળતા વિકસાવવા સમજ આપી હતી, જ્યારે સાયબર ક્રાઈમના વિવિધ પોર્ટલ અંગેની માહિતી તેમજ લાઇવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં સાયબર ક્રાઈમ ઇન્વેસ્ટીગેશન, વિવિધ સર્વિસ પ્રોવાઇડરોને લખવાના થતા રિપોર્ટસ તેમજ સીડીઆર અને આઇપીડીઆર એનાલીસીસ અંગે પણ વર્કશોપ યોજવામાં આવશે, તેવી ખાતરી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તરફથી આપવામાં આવી હતી.