પાટડી પાલિકાના મહિલા સદસ્ય સાથે ૨૭ હજારનું સાયબર ફ્રોડ
- ગઠિયાએ રૂપિયા ખોટા ટ્રાન્સફર કર્યા હોવાનું જણાવ્યું
- એલઆઈસીની પોલીસીની રકમ રૂા.૪૦,૦૦૦ જમા કરાવ્યાના મેસેજ મોકલી વિશ્વાસમાં લીધા બાદ ગઠિયો કળા કરી ગયો
સુરેન્દ્રનગર : પાટડી નગરપાલિકાના મહિલા સદ્દસ્યના બેંક ખાતામાં વિમા કંપનીના રૂપિયા જમા થયાના મેસેજ આવ્યા બાદ મહિલા સદ્દસ્યએ સામેવાળાના ખાતામાં રૂા.૨૭,૦૦૦ જમા કરાવતા પોતે સાયબર ફ્રોડનો ભોગ બની હોવાનું જણાઈ આવ્યું હતું. આ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવા સાથે પાટડી પોલીસ મથકે લેખીત રજુઆત કરી છે.
પાટડી શહેરી વિસ્તારમાં રહેતા પ્રતિકકુમાર ઠક્કરના પત્ની તેમજ પાટડી નગરપાલિકાના વોર્ડ નં.૩ ના મહિલા સદ્દસ્ય શ્વેતાબેન ઠક્કર પાટડી નજીક ધાર્મિક સ્થળે દર્શનાર્થે ગયા હતા. ત્યારે કોઈ અજાણ્યા નંબરમાંથી તેમને ફોન દ્વારા સામેના વ્યક્તિએ એલઆઈસીની પોલીસીની મુદ્દત પૂર્ણ થઈ ચુકી છે અને પોલીસી પાકી ગઈ હોવાનું જણાવી મહિલા સદ્દસ્યના ખાતામાં તે રકમ જમા કરાવવાનું જણાવ્યું હતું અને પ્રથમ વખત રૂા.૧૦ ખાતામાં જમા કરાવ્યાનો ટેસ્ક મેસેજ મોબાઈલ પર આવ્યો હતો. ત્યારબાદ સામેવાળી વ્યક્તિએ ફરી રૂા.૩૦,૦૦૦ અને ૧૦,૦૦૦ જમા કરાવ્યાના અલગ-અલગ બે ટેસ્ક મેસેજ આવ્યા હતા. જે મેસેજ આવ્યા બાદ ફરી વખત તે વ્યક્તિનો મહિલા સદ્દસ્ય પર ફોન આવ્યો હતો અને મહિલા સદ્દસ્યના ખાતામાં ભુલથી તેઓના રૂા.૨૭,૦૦૦ જમા થઈ ગયા હોવાનું જણાવી તે રકમ પરત ફોનથી જમા કરાવવાનું જણાવ્યું હતું. આથી મહિલા સદ્દસ્ય શ્વેતાબેને પોતાના ખાતાની બેલેન્સ ચેક કર્યા વગર સામેના વ્યક્તિના ખાતામાં રૂા.૨૭,૦૦૦ ફોન પેથી ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ મહિલા સદ્દસ્યને શંકા જતા પોતાના ખાતાનું બેન્ક બેલેન્સ ચેક કર્યું હતું પરંતુ કોઈ જ રકમ જમા થઈ નહોતી અને ખાતામાંથી રૂા.૨૭,૦૦૦ કપાઈ ગયા હતા. આથી આ સમગ્ર મામલે મહિલાએ પતિને વાત કરતા સાયબર ફ્રોડનો શિકાર બન્યા હોવાનું માલુમ પડયું હતું. જે મામલે ભોગ બનનાર મહિલા સદ્દસ્યએ સાયબર ક્રાઈમમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી છે તેમજ આ મામલે પાટડી પોલીસ મથકે પણ લેખીત રજુઆત કરતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.