સાયબર ફ્રોડ ગેંગ હવે ફ્રોડના નાણાં કથિત નફરૂપે 'શિકાર'ના ખાતામાં જમા કરાવે છે
લોકો સાથે ઠગાઈની સાથે કાયદાકીય ગૂંચવણમાં મૂકી રહી છે : શેરમાર્કેટમાં નફાની લાલચે પાલના વૃદ્ધ પાસે રૂ.1.95 કરોડ રોકવ્યા : નફા પેટે રૂ.10 લાખ જમા કર્યા તેમાં રૂ.8.11 લાખ ફ્રોડના હોવાથી ખાતું ફ્રીઝ કરાયું
71 વર્ષીય કેમિકલ એન્જીનીયરને વ્હોટ્સએપ મેસેજ કરી એક ગ્રુપમાં એડ કરી બાદમાં રજીસ્ટ્રેશન કરાવી રોકાણ કરાવનાર કિરણ કૌરને વૃદ્ધે રોકેલા પૈસા પરત કરવા કહ્યું તો વધુ રૂ.70 લાખ ટેક્સ પેટે ભરવા કહ્યું હતું
- લોકો સાથે ઠગાઈની સાથે કાયદાકીય ગૂંચવણમાં મૂકી રહી છે : શેરમાર્કેટમાં નફાની લાલચે પાલના વૃદ્ધ પાસે રૂ.1.95 કરોડ રોકવ્યા : નફા પેટે રૂ.10 લાખ જમા કર્યા તેમાં રૂ.8.11 લાખ ફ્રોડના હોવાથી ખાતું ફ્રીઝ કરાયું
- 71 વર્ષીય કેમિકલ એન્જીનીયરને વ્હોટ્સએપ મેસેજ કરી એક ગ્રુપમાં એડ કરી બાદમાં રજીસ્ટ્રેશન કરાવી રોકાણ કરાવનાર કિરણ કૌરને વૃદ્ધે રોકેલા પૈસા પરત કરવા કહ્યું તો વધુ રૂ.70 લાખ ટેક્સ પેટે ભરવા કહ્યું હતું
સુરત, : સાયબર ફ્રોડ કરતી ટોળકીઓ હવે લોકો સાથે ઠગાઈ કરવાની સાથે તેમને કાયદાકીય ગૂંચવણમાં પણ મૂકી રહ્યા છે.આવા જ એક કિસ્સામાં અગાઉ ખાનગી કંપનીમાં નોકરી કરતા પાલના 71 વર્ષીય કેમિકલ એન્જીનીયરને શેરમાર્કેટમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે કહી ઠગ ટોળકીએ રૂ.1.95 કરોડનું રોકાણ કરાવી તેમના એકાઉન્ટમાં રૂ.10 લાખ જમા કરાવ્યા હતા.જોકે, નફા પેટે જમા કરેલી રકમ પૈકી રૂ.8.11 લાખ સાયબર ફ્રોડના હોય તેમનું એકાઉન્ટ ફ્રીઝ કરાતા તે વધુ તકલીફમાં મુકાયા હતા.
સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પાલ વિસ્તારમાં રહેતા 71 વર્ષીય મનીષકુમાર (નામ બદલ્યું છે ) અગાઉ ખાનગી કંપનીમાં કેમિકલ એન્જીનીયર તરીકે નોકરી કરતા હતા.પણ હાલ નિવૃત્ત જીવન ગાળે છે.ગત ફેબ્રુઆરી 2024 માં તેમને અજાણ્યા નંબર પરથી વ્હોટ્સએપ મેસેજ કરી શેરમાર્કેટમાં રોકાણ કરવા કહી એક લીંક મોકલી રજીસ્ટ્રેશન કરાવી બાદમાં તેમને એક વ્હોટ્સએપ ગ્રુપમાં એડ કરાયા હતા.તેમાં ગ્રુપ એડમીન કિરણ કૌરે તેમને શેરમાર્કેટમાં રોકાણ કરશો તો સારું વળતર મળશે કહી તેના લેક્ચર પણ એટેન્ડ કરાવી બાદમાં બે મહિનાના સમયગાળામાં જુદાજુદા બેન્ક એકાઉન્ટમાં કુલ રૂ.1.95 કરોડ જમા કરાવ્યા હતા.તે દરમિયાન મનીષકુમારના બેન્ક એકાઉન્ટમાં નફા પેટે કિરણ કૌરે રૂ.10 લાખ પણ જમા કર્યા હતા.
મનીષકુમાર જયારે નફાની રકમ ઉપાડવા 18 એપ્રિલના રોજ બેન્કમાં ગયા ત્યારે મેનેજરે જાણ કરી હતી કે તમારા બેન્ક એકાઉન્ટમાં રૂ.8,10,712 સાયબર ફ્રોડના જમા થયા છે તેથી અમદાવાદ, દિલ્હી, કર્ણાટક અને નાગપુર સાયબર ક્રાઈમ પોલીસે તમારું એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યું છે.આથી મનીષકુમારે કિરણ કૌરને રોકેલા પૈસા પરત કરવા કહ્યું હતું.જોકે, કિરણ કૌરે તે માટે વધુ રૂ.70 લાખ ટેક્સ પેટે ભરવા કહેતા મનીષકુમારે જે રોકાણ છે તેમાંથી ટેક્સ કાપીને બાકીના પૈસા એકાઉન્ટમાં જમા કરવા કહ્યું હતું,પણ કિરણ કૌરે અલગથી રૂ.70 લાખ ભરવા કહેતા મનીષકુમારને શંકા ગઈ હતી અને તેમણે સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર ફરિયાદ કરી હતી.તેમની ફરિયાદના આધારે સુરત સાયબર ક્રાઈમ પોલીસે ગતરોજ ઠગ ટોળકી વિરુદ્ધ રૂ.1.85 કરોડની ઠગાઈનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.વધુ તપાસ પીઆઈ એન.આર.પટેલ કરી રહ્યા છે.