વડોદરાનો વિચિત્ર કિસ્સો: 80 લાખના ઇન્વેસ્ટમેન્ટ સામે 3.35 કરોડનું બેલેન્સ, પણ એક રૂપિયો પણ મળ્યો નહીં
Cyber fraud Vadodara : વડોદરામાં રહેતો એક એન્જિનિયર યુવક ઓનલાઇન ઠગાઈ કરતી ટોળકીનો શિકાર બન્યો છે અને તેણે રૂ.80 લાખ ગુમાવતાં સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ છે.
મૂળ ગાંધીનગરનો વતની હર્ષિલ કુમાર પટેલ વડોદરા ગોત્રી સેવાસી રોડ વિસ્તારમાં પારેશ્વર ટાવર ખાતે રહે છે અને હેલ્થ કેર કંપનીમાં જોબ કરે છે. આ યુવક તા 2જી મે એ પોતાના ઘેર હાજર હતો તે વખતે અવિભાજ્ય ઇન્વેસ્ટર ક્લબ c2 નામના ગ્રૂપમાં તેને એડ કરવામાં આવ્યો હતો. યુવકે કેટલાક દિવસ સુધી આ ગ્રૂપ પર વોચ રાખી હતી અને તેમાં મૂકાતા પ્રોફિટના સ્ક્રીનશોટ જોઈ તેને ઇન્વેસ્ટમેન્ટ કરવાની ઇચ્છા થઈ હતી.
હર્ષિલનું કહેવું છે કે, મેં ટ્રેડિંગ કરવાની ઇચ્છા દર્શાવતો મેસેજ ગ્રૂપમાં મૂકતાં મને અવિવા કસ્ટમર સર્વિસ મેનેજર વીઆઈપી 153 નામના ગ્રૂપમાં એડ કરવામાં આવ્યો હતો. જેના ગ્રૂપ એડમિન તરીકે જીલ મહેરાનું નામ હતું. તા. 4 જુલાઈએ મને એક વેબસાઇટની લીંક મોકલવામાં આવી હતી અને તેમાં રજિસ્ટ્રેશન કરાવી યુઝર આઇડી અને પાસવર્ડ આપવામાં આવ્યા હતા.
ત્યારબાદ મને વોટ્સએપ પર મેસેજ કરી તેમના પ્લેટફૉર્મ પરથી ટ્રેડિંગ કરીને સારો નફો મેળવી શકો છો તેમ કહી બૅન્ક એકાઉન્ટ નંબર મોકલ્યો હતો. શરુઆતમાં મેં 5,000 ટ્રાન્સફર કર્યા હતા અને તેમાં એક જ દિવસમાં 254 રૂપિયાનો નફો થયો હતો જે રકમને ઉપાડતાં મારા ખાતામાં જમા થઈ હતી.
મને વિશ્વાસ બેસતાં વધુને વધુ રકમ જમા કરાવતો હતો અને તેની સામે મારા એકાઉન્ટમાં નફા સાથેનું બેલેન્સ દેખાતું હતું. મે રૂ.80.40 લાખનું રોકાણ કર્યું તેની સામે 3.35 કરોડનું બેલેન્સ દેખાતું હતું. અત્યાર સુધી મને માત્ર 5 લાખ રૂપિયા પરત મળ્યા છે.
હર્ષિલે કહ્યું છે કે, મેં 1 કરોડ રૂપિયા ઉપાડવા માટે પ્રયત્ન કરતાં આ રકમ ઉપડી ન હતી અને મારી પાસે ટેક્સના નામે 21.78 લાખ માંગવામાં આવ્યા હતા. જેથી મને શંકા પડતા સાયબર સેલને જાણ કરી છે.