શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી સાયબર ગઠિયાઓએ નવ લાખ પડાવી લીધા
તમે તાઈવાનમાં અવૈધ સામાન મોકલાવ્યો છે તેમ કહી
તમારી વિરુદ્ધ પૂરતા પુરાવા છે, બેંકનું વેરિફિકેશન ન થાય ત્યાં સુધી જામીન નહીં મળે તેવી ધમકી આપી
ગાંધીનગર : ગાંધીનગર શહેરના સેક્ટર ૭માં રહેતા શિક્ષકને ફોન કરીને સાઇબર ગઠિયાઓ દ્વારા તમે તાઈવાનમાં અવૈધ સામાન મોકલાવ્યો છે તેમ કહી ડિજિટલ એરેસ્ટ કરીને ૯ લાખ રૃપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ મામલે હાલ ગાંધીનગર સાયબર ક્રાઇમ રેન્જ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.
હાલમાં સમગ્ર દેશમાં સાયબર ગઠિયાઓનો ત્રાસ વધ્યો છે અને ખાસ
કરીને ડિજિટલ એરેસ્ટ કરી પોલીસ,
સીબીઆઈ, એરફોર્સમેન્ટ
ડિપાર્ટમેન્ટના નામે વોટ્સએપ વિડીયો કોલ અને વોઇસ કોલ કરીને મહિલાઓ વૃદ્ધોને નિશાન
બનાવવામાં આવે છે. કોઈ કેસમાં તમારું નામ ખુલ્યું છે અને ધરપકડ વોરન્ટ ઈસ્યુ થયું
છે તેમ કહીને બેંકમાંથી રૃપિયા ટ્રાન્સફર કરાવવામાં આવતા હોય છે ત્યારે આ વખતે
ગાંધીનગર શહેરના સેક્ટર ૭માં રહેતા શિક્ષકને નિશાન બનાવવામાં આવ્યા છે. જે અંગે
મળતી વિગતો પ્રમાણે ગત ઓગસ્ટ મહિનામાં આ શિક્ષકને ફોન આવ્યો હતો અને કહેવામાં
આવ્યું હતું કે તમારા આધારકાર્ડના ઉપયોગથી પાર્સલ તાઇવાન મોકલવામાં આવ્યુ છે, તેમા અવૈધ સામાન
છે. જેમાં એમઆઇડી ડ્રગ્સ,
લેપટોપ, બે
પાસપોર્ટ સહિતનો સામાન પકડયો છે. પાર્સલ તમારૃ ના હોય તો દિલ્લી આવી પોલીસ ફરિયાદ
નોંધાવી જાઓ અને જો રૃબરૃ આવી ન શકતા હોય તો વિડીયો રેકોડીંગથી ફરિયાદ કરવાનુ
જણાવી મને વોટ્સઅપ કોલીંગ કરો.
જ્યારે વોટ્સઅપ કોલ કરતા સામેની વ્યક્તિએ પોલીસનો ડ્રેસ બતાવ્યો હતો. આધારકાર્ડ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો મંગાવી અન્ય વ્યક્તિ સાથે વાત કરતા શિક્ષકનુ નામ કોલ મુશ્લીમ સાથે મનીલન્ડરીંગમાં સામેલ છે, તેમ વાતથી કરતો હતો. શિક્ષકના ખાતામાં ૧૮ લાખ હોવાનુ કહીને ડરાવ્યા હતા અને અમે પુરાવા ઉપર ચાલીએ છીએ, તમારી વિરૃદ્ધમાં અમારી પાસે પુરાવા છે. તમારા બેંક ખાતાનુ વેરીફિકેશન થાય પછી તમને જામીન મળશે, નહિતર તમને અને તમારા પરિવારને ઉઠાવી જઇશુ. તેમ કહી ૯ લાખ રૃપિયા જમા કરાવી છેતરપિંડી કરવામાં આવી હતી. જેના પગલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી તપાસ શરૃ કરવામાં આવી છે.