સાયબર ગઠિયાઓએ યુવાન પાસેથી ૧૧.૮૩ લાખ ઓનલાઇન ખંખેર્યા
પાર્ટ ટાઇમ જોબની ઓફર આપીને
અજાણી મહિલાએ પેઇડ ટાસ્ક મેળવવા લીંક મોકલી શરૃઆતે નાણાંની ચૂકવણી કર્યા બાદ યુવકના બેંક ખાતા ખાલી કરાવ્યાં
ગાંધીનગર : સાઇબર ફ્રોડ મુદ્દે સરકારી ચેતવણીઓ સામે નાણા અને નોકરી, ધંધાની ગઠિયાઓ દ્વારા અપાતી લાલચ જીતી જાય છે. ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનાં ખાનગી લેક્ચરર યુવકને પાર્ટ ટાઇમ જોબની ઓફર આપ્યા બાદ અજાણી મહિલાએ પેઇડ ટાસ્ક મેળવવા લીંક મોકલી શરૃઆતે નાણાંની ચૂકવણી કર્યા બાદ યુવકના બેંક ખાતા ખાલી કરાવ્યા હતાં. આખરે યુવકે રૃપિયા ૧૧.૮૩ લાખનો ફ્રોડ થયાની ફરિયાદ નોંધાવી છે.
મુળ જામનગરના વતની અને એક વર્ષથી ગા્ંધીનગરના કુડાસણ
વિસ્તારના ઉર્જાનગરમાં રહેતા હર્ષ હરદાસભાઇ ચાવડાએ તેની સાથે થયેલી ઓનલાઇન
છેતરપિંડી સંબંધે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સ્પર્ધાત્મક
પરીક્ષાઓની તૈયારી કરાવતી ખાનગી એકેડમીમાં લેક્ચરર તરીકે કામ કરતાં યુવકને ગત
ઓક્ટોબર મહિનામાં મોબાઇલ કોલ આવ્યો હતો. તેમાં મહિલાએ હોટશુટ કંપનીમાંથી બોલતી
હોવાનું કહી તેમે અગાઉ પાર્ટ ટાઇમ જોબ માટે એપ્લાય કર્યાનું અને તમારો ડેટા અમારી
પાસે હોવાનું જણાવતા યુવકે હા પાડી હતી. જેના પગલે મહિલાએ વોટ્સઅપ દ્વારા લીંક
મોકલીને ગુગલ પર ફાઇવ સ્ટાર રેટિંગ આપી તેના સ્ક્રિન શોટ મોકલવા જણાવ્યુ હતું.
તેના બદલામાં ગુગલ પેનો નંબર લઇ ગઠિયાઓએ રૃપિયા ૨૦૦ મોકલ્યા હતાં અને પેઇડ ટાસ્કની
ઓફર આપી શરૃઆતમાં રૃપિયા ૧ હજારની સામે ૧૫૦૦ અને ૩ હજારની સામે રૃપિયા ૪૩૦૦
મોકલીને વિશ્વાસ કેળવ્યા બાદ તારીખ ૧૫મી ઓક્ટોબરથી તારીખ ૧૭મી ઓક્ટોબર સુધીમાં
રૃપિયા ૧૧.૮૩ લાખ ટ્રન્સફર કરાવ્યા હતાં. તમામ પેઇડ ટાસ્ક પુરા કરવા છતાં રકમ પરત
નહીં મળતાં સાયબર ફ્રોડનો ભોગ બન્યાનું જણાતા યુવાને સાયબર હેલ્પ લાઇન નંબર ૧૯૩૦
પર અને બાદમાં સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.