સાઈબર ક્રાઈમ માફિયાઓ હવે વાલીઓને ટાર્ગેટ કરી રહ્યા છે
વડોદરાઃ લોકોને ખંખેરી લેવા માટે અવનવા હથકંડા અપનાવતા સાઈબર ક્રાઈમ માફિયાઓએ હવે શહેરના વાલીઓને તેમના સંતાનોના નામે ટાર્ગેટ કરવાનું શરુ કર્યું છે.છેલ્લા કેટલાક દિવસોમાં આવા સંખ્યાબંધ કિસ્સા બન્યા છે.
વાઘોડિયા રોડ પર રહેતા અને પોતાની દુકાન ચલાવતા એક મહિલાએ વાતચીતમાં કહ્યું હતું કે, ચાર દિવસ પહેલા મને અજાણ્યા નંબર પરથી કોઈએ કોલ કર્યો હતો અને પોતાની ઓળખ સીબીઆઈ અધિકારી તરીકે આપીને મને મારી દીકરીના નામ સાથે કહ્યું હતું કે, તમારી પુત્રી સેક્સ રેકેટમાં સંડોવાઈ છે..કોલ કરનારાના પ્રોફાઈલમાં પણ પોલીસના યુનિફોર્મ પહેરેલા કોઈ વ્યક્તિનો ફોટો હતો.જોકે મને તો તરત જ ખબર પડી ગઈ હતી કે, આ કોલ પૈસા પડાવવા માટે છે.આમ છતા મેં મારા પરિચિત અને સાઈબર ક્રાઈમ એક્સપર્ટ મયૂર ભૂસાવળકરનો સંપર્ક કર્યો હતો.એ પછી આ વ્યક્તિએ મને ચાર થી પાંચ કોલ કર્યા હતા અને મેં તેનો નંબર બ્લોક કરી દીધો હતો.
આ જ રીતે આજવા રોડ પર રહેતા એક શિક્ષકને પણ પોલીસના નામથી કોલ આવ્યો હતો. શિક્ષકને ફોન કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે, તમારો પુત્ર ડ્રગ્સ કાંડમાં પકડાયો છે.જોકે શિક્ષકનો પુત્ર તો સાળંગપુર દર્શન કરવા માટે ગયો હતો.આ શિક્ષકે અજાણ્યા વ્યક્તિનો ફોન હોલ્ડ પર રાખીને બીજા રુમમાં જઈને બીજા ફોન પર પુત્ર સાથે વિડિયો કોલ કરીને તે સાળંગપુર હોવાની ખાતરી કરી હતી.જેથી આ વ્યક્તિનું જુઠ્ઠાણું પકડાઈ ગયું હતું.
ત્રીજા એક કિસ્સામાં ફતેપુરામાં રહેતા વાલીને ફોન આવ્યો હતો અને ફોન કરનારે કહ્યું હતું કે, તમારો દીકરો સ્કૂલમાં નથી જતો અને સ્કૂલના સમયમાં ગેરકાયેદ પ્રવૃત્તિઓ કરે છે.તે જ સમયે આ વાલીએ સ્કૂલના પ્રિન્સિપાલને ફોન કરીને પોતાનો દીકરો સ્કૂલમાં હોવાની ખાતરી કરી હતી.
એમ.એસ.યુનિવર્સિટીના એક મહિલા અધ્યાપકે પણ ગઈકાલે પોતાની આપવીતી શેર કરતા કહ્યું હતું કે, પોલીસ તરીકે ઓળખ આપનાર અજાણ્યા વ્યક્તિએ મને ફોન કરીને મારી કાર હિટ એન્ડ રનના મામલામાં સંડોવાઈ હોવાનું કહ્યું હતું અને મારા દીકરાનું નામ આપીને પૂછપરછ શરુ કરી હતી.જોકે તેની વાત શંકાસ્પદ લાગતા મેં ફોન બ્લોક કરી દીધો હતો.
ગઠિયાઓને માહિતી ના મળે તે માટે
સોશ્યલ મીડિયા એકાઉન્ટની પ્રોફાઈલ લોક રાખવી જોઈએ
વાલીઓને આશ્ચર્ય થાય છે કે, કોલ કરનારાને સંતાનોનું નામ કેવી રીતે ખબર પડે છે? આ સવાલનો જવાબ આપતા સાયબર ક્રાઈમ અંગેના જાણકાર મયૂર ભૂસાવળકર કહે છે કે, સોશિયલ મીડિયા પર માતા-પિતા પોતાના સંતાનોના ફોટા સાથે અને તેમને ટેગ કરીને તેમને બર્થ ડે વિશ કરતા હોય છે કે બીજા જાણકારી શેર કરતા હોય છે.સોશ્યલ મીડિયા પ્રોફાઈલનો અભ્યાસ કરીને ભેજાબાજો સંતાનોના નામ જાણી લે છે અથવા ફોન કરતી વખતે અનુમાન લગાવે છે.આ ટેકનિકને સોશ્યલ એન્જિનિયરિંગ એટેક કહેવામાં આવે છે.લોકોએ સોશિયલ મીડિયા એકાઉન્ટની પ્રોફાઈલ લોક રાખવી જોઈએ તેમજ અજાણ્યા વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ પણ સ્વીકારવી જોઈએ નહીં.
વોઈસ ક્લોન કરીને છેતરપિંડી થવાની શક્યતાઓ વધી જશે
એઆઈના વધી રહેલા ઉપયોગના કારણે આગામી દિવસોમાં વોઈસ ક્લોનિંગની મદદથી છેતરપિંડી થવાની શક્યતાઓ પણ વધી જશે.વોઈસ ક્લોનિંગ માટે કોઈ પણ પણ વ્યક્તિને અડધી થી એક મિનિટનો કોલ કરીને તેનો અવાજ રેકોર્ડ કરી લેવામાં આવે છે અને એઆઈની સાઉન્ડ ટેકનિકની મદદથી તેના અવાજમાં જ તેના પરિવારના સભ્યને ફોન કરીને નાણાની માગણી કરવામાં આવે છે.અત્યારે પણ આવી રીતે નાણા પડાવવાના પ્રયાસ થઈ રહ્યા છે પણ તેનુ પ્રમાણ ઓછું છે.