નિવૃત એએસઆઇ સાથે કટલરીના વેપારીએ રૃા.૧૬.૧૨ લાખની છેતરપિંડી આચરી
ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુરમાં
અમદાવાદનો વેપારી અમેરિકા જવાનો હોવાનું કહી અડધી કિંમતમાં કટલરી ખરીદવા રૃપિયા લીધા ઃ પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુરમાં રહેતા નિવૃત્ત એએસઆઇને કટલરીના રૃપિયામાં નફો વધુ હોવાનું કહી અમદાવાદમાંથી અડધી કિંમતમાં કટલરી ખરીદીને નફો કરી રૃપિયા આપવાની વાત કરી વેપારીએ ૧૬.૧૨ લાખની છેતરપિંડી આચરી છે. જે સંદર્ભે પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
પેથાપુરમાં આવેલી મહાલક્ષ્મી વસાહતમાં રહેતા અને પોલીસ ખાતામાંથી એએસઆઇ તરીકે
નિવૃત્ત થયેલા મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજાએ ફરિયાદ નોંધાવી હતી કે, પાંચ મહિના પહેલા
દિકરી સાથે પેથાપુર બજારમાં નોવેલ્ટી સ્ટોરમાં ખરીદી કરવા ગયા હતા. તે સમયે
દુકાનદાર દિનેશભાઇ તારારામ માળી રહે,
પેથાપુર, સિધ્ધેશ્વરી
હાઇટ્સ, મૂળ, ગોયલી, સિરોહી, રાજસ્થાન સાથે
વાતચીત કરતા ધંધામાં વધારે નફો હોવાનુ કહ્યુ હતુ. વેપારીએ નિવૃત એએસઆઇને તમે
હાલમાં નિવૃત છો કટલરીનો ધંધો કાઠીયાવાડમાં કરો તો સારો નફો થશે તેમ કહેતા વાતમાં
આવી ગયા હતા. ત્રણ મહિના પહેલા દિનેશ માળીએ અમદાવાદમાં એક કટલરીના વેપારીને
અમેરીકા જવાનુ હોવાથી સામાન અડધી કિંમતમાં વેચાણ આપવાનો હોવાની વાત કરી હતી. જેથી
થોડી રૃપિયાની મદદ કરવાનુ કહેતા તૈયાર થઇ ગયા હતા. માલ વેચાઇ ગયા પછી રૃપિયા પરત
કરવાનુ કહ્યુ હતુ. જો માલ નહિ વેચાય તો ચિલોડાનુ મકાન વેચાણ કરીને રૃપિયા આપવાનુ
કહ્યુ હતુ. જેથી તેમણે તબક્કાવાર ૧૬.૧૨ લાખ આપ્યા હતા. જ્યારે સમય મર્યાદા પુરી
થતા ફોન કરતા તે બંધ આવતો હતો. ઘરે તપાસ કરતા તાળુ મારેલુ જોવા મળતુ હતુ. જેથી
વેપારી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.