Get The App

કારના શો રૃમમાં નોકરી કરતા એક્ઝિક્યુટિવે ગ્રાહકના ૩.૧૬ લાખ પડાવી લીધા

શો રૃમમાં કાર ખરીદવા ગયેલો પાણી પુરીની લારી ચલાવનાર યુવક છેતરાયો

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News

 કારના શો રૃમમાં નોકરી કરતા એક્ઝિક્યુટિવે ગ્રાહકના ૩.૧૬ લાખ પડાવી લીધા 1 - imageવડોદરા,કારના શો રૃમમાં એક્ઝિક્યુટિવ નોકરી કરતા ભેજાબાજે કાર બુકીંગના રૃપિયા ગ્રાહક પાસેથી મેળવી લઇ શો રૃમમાં જમા કરાવ્યા નહતા. ૩.૧૬ લાખ ગુમાવનાર ગ્રાહકે આ અંગે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગોરવા શાક માર્કેટ પાણીની ટાંકી પાસે રહેતો ફૂલસિંહ શ્યામલાલ કુસ્વાહ મૂળ યુ.પી.ના વતની છે. પાણી પુરીની લારી ચલાવતા ફૂલસિંહે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારે મારૃતિ કંપનીની  અર્ટીગા કાર ખરીદવાની હોવાથી જૂના છાણી રોડ પર આવેલ કિરણ મોટર્સના શો  રૃમમાં ગયો હતો. તે દિવસે શો રૃમમાં સી.ઓ. તરીકે ફરજ બજાવતા દિપક બ્રહ્મભટ્ટને મળ્યો હતો.તેઓએ મને કાર અને ફાઇનાન્સ માટેની માહિતી  આપી હતી. ત્યારબાદ દિપક બ્રહ્મભટ્ટે શો રૃમમાં એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા  દિવ્યેશકુમાર સતિષભાઇ સાધુ ( રહે. નિજધામ સોસાયટી, સહકાર નગર, ગરબાડા રોડ, દાહોદ) સાથે સંપર્ક કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તમારે હાલ ડાઉન પેમેન્ટ તરીકે ૧.૮૦ લાખ ભરવા પડશે તો તમને ૨૫ થી ૩૦ દિવસમાં કાર મળી જશે.મેં બેંકમાંથી રોકડા એક લાખ ઉપાડી દિવ્યેશકુમારને આપ્યા હતા. ત્યારબાદ ગૂગલ પે થી મેં રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા. અલગ - અલગ સમયે રોકડા ૫૬ હજાર અને ગૂગલ પે થી ૬ લાખ મેં દિવ્યેશકુમારને આપ્યા હતા.ત્યારબાદ દિવ્યેશકુમારે જણાવ્યું હતું કે, તા. ૦૫ - ૦૯ - ૨૦૨૪ સુધીમાં તમને કાર મળી જશે. પરંતુ, મને કાર મળી નહતી.મેં શો રૃમમાં ફરજ બજાવતા દિપકભાઇ બ્રહ્મભટ્ટને મળીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે,  શો રૃમમાં  દિવ્યેશકુમારે માત્ર ૨.૮૩ લાખ જમા કરાવ્યા છે. બાકીના ૩.૧૬ લાખ દિવ્યેશકુમારે પોતાની પાસે રાખી લીધા છે. હું દિવ્યેશકુમારને રોજ કોલ કરી ગાડી અંગે પૂછતો હતો. તે રોજ નવા બહાના બનાવતો હતો. ત્યારબાદ મેં ગાડી  ખરીદવાની ના પાડતા શો  રૃમમાં જમા થયેલા ૨.૮૩ લાખ મારા એકાઉન્ટમાં પરત આવી ગયા હતા. પરંતુ, દિવ્યેશકુમારે ૩.૧૬ લાખ પરત આપ્યા નહતા. ઉલ્લેખનીય છે કે, ફૂલસિંહે પોલીસ કમિશનર કચેરીમાં દિવ્યેશકુમાર તેમજ કિરણ મોટર્સ લિ. બંને સામે ફરિયાદ આપી હતી. પરંતુ, ફતેગંજ પોલીસે માત્ર દિવ્યેશકુમાર સામે જ ફરિયાદ નોંધી હતી.



Google NewsGoogle News