વિઠ્ઠલપ્રેસ રોડ ઉપર વેપારી પર ગ્રાહકનો લાકડી વડે હુમલો
- દાળમીલના શખ્સ સામે ગુનો નોંધાયો
- ખરીદેલા કપડા પાછા લેવા ગ્રાહકે વેપારી પિતા-પુત્રને મારી નાંખવાની ધમકી આપી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં વિઠ્ઠલપ્રેસ રોડ પર હોઝીયરીની દકુાન ચલાવતા વેપારીને કપડા પાછા લેવા બાબતે રાજદિપસિંહ રાજભા ઝાલા નામના શખ્સે ગાળો આપી લાકડી માથાના ભાગે ફટકારી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ભોગ બનનાર વેપારીએ એ-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર શહેરના વિઠ્ઠલપ્રેસ રોડ પર સિધ્ધ સિલેકશન નામની હોઝીયરીની દુકાન ધરાવતા વેપારી પ્રશાંતભાઈ રમેશચંદ્ર શાહ અને તેમના પિતા દુકાને હાજર હતા. તે દરમિયાન બે ત્રણ દિવસ પહેલા દુકાનેથી વસ્તુ ખરીદી ગયેલી મહિલા વસ્તુ પરત દેવા આવ્યા હતા અને મહિલાના મોબાઈલ પર એક શખ્સ ગાળો બોલી મારી નાંખવાની ધમકી આપતો હતો. આથી ફરિયાદીના પીતાએ ખરીદેલ વસ્તુ પાછી લઈ મહિલાના ફોન પર ઓનલાઈન રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. ત્યાર બાદ તે મહીલા દુકાનની બહાર જતા રહ્યાં હતા અને થોડા સમય બાદ એક શખ્સે આવી કપડા પાછા લેવા બાબતે ફરિયાદી તેમજ તેમના પિતાને ગાળો આપી લાકડી વડે માથાના તેમજ શરીરના ભાગે મારમારી ઈજાઓ પહોંચાડી હતી. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ભોગ બનનાર વેપારીએ એ-ડિવીઝન પોલીસ મથકે રાજદિપસિંહ રાજભા ઝાલા (રહે.દાળમીલ રોડ) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.