વડોદરામાં હાલ સરકારી જગ્યા પર 314 ધાર્મિક દબાણો : સાધુ, સંતો અને ધર્મના વડાઓને સ્વૈચ્છિક પણે દબાણો હટાવવા અપીલ કરાશે
Vadodara Corporation : વડોદરામાં સરકારી જગ્યા પર ધાર્મિક સ્થાનોના દબાણો સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં પીઆઈએલ થતા કોર્ટે દબાણ હટાવવા કડક વલણ અપનાવ્યું છે. દબાણ કરનારા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કામગીરી કરવા પણ સરકારને તાકીદ કરી છે. વડોદરામાં હાલ 314 ધાર્મિક દબાણો છે. અગાઉ પ્રાથમિક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, ત્યારે 393 ધાર્મિક દબાણો જણાયા હતા. જેમાંથી સ્વેચ્છિક પણે દબાણો હટાવી લેવા જણાવતા હવે 314 બાકી રહ્યા છે.
અગાઉ રોડ સહિતની સરકારી જમીન પર ધાર્મિક દબાણ કેટલા છે તેની કોર્ટ દ્વારા યાદી મંગાવવામાં આવી હતી. ધાર્મિક દબાણો સંદર્ભે વહીવટી કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં આ મુદ્દે ચર્ચા પણ થઈ ચૂકી છે. હવે જે તે ધર્મના વડાઓ, સાધુ સંતો સાથે મીટીંગ કરવાનું કહેવામાં આવ્યું છે. આ મિટિંગમાં તેઓને સ્વેચ્છિક પણે દબાણ હટાવવા અપીલ કરવામાં આવશે. મિટિંગમાં પોલીસને પણ હાજર રાખવામાં આવશે, અને કામગીરી કરવાની થાય તો બંદોબસ્ત માટે પણ ચર્ચા કરાશે. જરૂર પડશે તો ધાર્મિક દબાણો અંગે વૈકલ્પિક જગ્યા આપી રીલોકેટ કરવામાં આવશે. જો ધાર્મિક સ્થળ નિયમિત થઈ શકે તેમ હશે તો તેની પણ પ્રક્રિયા કરાશે. આ બધી કામગીરી બાદ પણ રોડ પરના ધાર્મિક દબાણ અનિવાર્ય જણાશે તો કોઈની પણ ધાર્મિક લાગણી દુભાવ્યા વગર હટાવવામાં આવશે, તેમ કોર્પોરેશનના તંત્ર દ્વારા જાણવા મળ્યું છે.