વિશ્વામિત્રી પ્રોજેક્ટ દરમિયાન જરૃર જણાશે તો જ મગરનું શિફ્ટિંગ કરાશે,શિફ્ટિંગની તમામ તૈયારીઃ આજે મોકડ્રીલ
વડોદરાઃ વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટની જાહેરાત કરી દેવાયા બાદ ફોરેસ્ટ વિભાગે મગરના શિક્ટિંગ માટે તૈયારી રાખી છે.જો કે,શિફ્ટિંગની શક્યતા નહિંવત્ દેખાઇ રહી છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા ૧૦૦ દિવસમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂરો કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે વિશ્વામિત્રીમાં સૌથી વધુ મગરો વસવાટ કરતા હોવાથી કોર્પોરેશન, જીવદયા સંસ્થાઓ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા મગરોના સંરક્ષણ માટે તૈયારી રાખવામાં આવી છે.
આજે કલાલી ખાતે ફોરેસ્ટ વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો અને જેસીબી વડે ઝાડીઓ પણ દૂર કરવામાં આવી હતી.જ્યારે આવતીકાલે કોર્પોરેશન,ફોરેસ્ટ અને જીવદયા કાર્યકરો દ્વારા એક મોકડ્રીલ રાખવામાં આવી છે.ફોરેસ્ટ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે,હાલપુરતી મગર શિફ્ટિંગની કોઇ શક્યતા નથી.
પરંતુ આગામી સમયમાં પ્રોજેક્ટ દરમિયાન જો જરૃર પડશે અને કોઇ મગરને નુકસાન થાય તેમ જણાશે તો તેવા જ મગરનું શિફ્ટિંગ કરીશું.આ ઉપરાંત કામગીરી દરમિયાન જો કોઇ મગર બહાર આવી જાય તો પણ તેનું રેસ્ક્યૂ કરીને પાણીમાં છોડવાનું કામ કરવામાં આવશે.આમ,વિશ્વામિત્રી પ્રોજેક્ટ દરમિયાન ફોરેસ્ટની ટીમો જીવદયા કાર્યકરો અને જેસીબી,ટેમ્પા, પાંજરા સહિતના સાધનો સાથે તૈયાર રહેશે.
જ્યાં હાલમાં મગરો નથી તે મહીસાગરમાં મગરોને વસાવવાની વાતો વહેતી થઇ
વડોદરાની વિશ્વામિત્રી નદીના મગરોને મહીનદીમાં લઇ જવામાં આવનાર હોવાની વાત વહેતી થતાં ગ્રામજનોમાં ભડકો થવાની દહેશત સેવાઇ રહી છે.
વડોદરામાં વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટ દરમિયાન મગરોને શિફ્ટી કરવામાં આવનાર હોવાની અને આ મગરોને મહીસાગરમાં લઇ જવામાં આવનાર હોવાની એક વાત વહેતી થઇ છે.
જો કે,સત્તાવાર સૂત્રોએ આવી વાતને સમર્થન આપ્યું નથી.તેમણે આ બાબતે કાંઇ હેવાનો પણ ઇનકાર કર્યો છે અને મગરનું શિફ્ટિંગ થવાનું નથી તેવી વાત કરી રહ્યા છે.