વડોદરા નજીક દેવ નદીમાં મગરે પશુપાલકનો શિકાર કર્યો, ત્રણ કલાકે મૃતદેહ મળ્યો
Vadodara Crocodile Attack : વડોદરા નજીકના વાઘોડિયા તાલુકામાં ફરી એકવાર મગર દ્વારા ગ્રામજનપર હુમલાનો બનાવ બન્યો છે. જેમાં ઢોર ચરાવવા ગયેલા આધેડનું મોત નીપજ્યું છે.
વડોદરા નજીક વાઘોડિયા તાલુકામાં આવેલી દેવ નદીમાં પણ મગરો મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે. આ નદીની આસપાસના ગામોમાં મગરો દ્વારા હુમલાના અવારનવાર બનાવો બનતા હોય છે. અગાઉ મગર દ્વારા બે મહિલાનો શિકાર પણ કરવામાં આવ્યો હતો.
વાઘોડિયાના ફલોડ ગામે બહેન બનેવીને ત્યાં દસ વર્ષથી રહેતા મનહરભાઈ ઉર્ફે મનુભાઈ રાઠોડીયા તેમની બહેન સાથે ઢોર ચરાવવા નદી તરફ ગયા હતા ત્યારે મગરે હુમલો કર્યો હતો.
મનુભાઈના બહેને બુમરાણ બચાવતા લોકો દોડી આવ્યા હતા પરંતુ ત્યાં સુધી મગર મનુભાઈને લઈ નદીમાં ગરકાવ થઈ ગયો હતો. ગ્રામજનો દ્વારા લગભગ ત્રણ કલાક સુધી શોધખોળ કરવામાં આવી હતી અને મનુભાઈનું મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો.
બનાવને પગલે ફોરેસ્ટ વિભાગની ટીમ તેમજ પોલીસ સ્થળ પર પહોંચી ગયા હતા અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા માટે તજવીજ કરી હતી. ફોરેસ્ટ વિભાગ દ્વારા અહીં પાંજરું મુકવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.