Get The App

ચાપડ ગામના તળાવમાં મહિલાનો પગ લપસતા મગર ખેંચી ગયો

બે કલાક પછી મગર મહિલાનો મૃતદેહ પાણીની ઉપર છોડીને જતો રહ્યો

Updated: Feb 23rd, 2025


Google NewsGoogle News
ચાપડ ગામના તળાવમાં મહિલાનો પગ લપસતા મગર ખેંચી ગયો 1 - image

ચાપડ ગામના તળાવમાં એક મહિલાને મગર ખેંચી ગયો હતો. બે કલાક પછી મગર મહિલાનો મૃતદેહ પાણીની ઉપર છોડીને જતો રહ્યો હતો. બનાવના પગલે  ગ્રામજનોમાં ભયનો માહોલ છે.

ચાપડ ગામ ભાથુજી મંદિર પાસે તળાવના કિનારે રહેતા ૫૫ વર્ષના ચંપાબેન શનાભાઇ વસાવા આજે સવારે ઘર નજીક આવેલા તળાવમાં કચરો નાંખવા માટે ગયા હતા.  તે દરમિયાન તેમનો પગ લપસતા તેઓ તળાવમાં અંદર પડયા હતા. તળાવના કિનારેથી જ મગર તેઓનો પગ પકડીને તળાવની અંદર ખેંચી ગયો હતો. ચંપાબેને બૂમાબૂમ કરતા ફળિયાના લોકો દોડી આવ્યા હતા.  ત્યાં સુધી તો મગર તેઓને ઉંડા પાણીમાં ખેંચી ગયો હતો. મગર ચંપાબેનને પાણીમાં અંદર લઇ જતા ગ્રામજનોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જેના પગલે ફાયરબ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા. એક કલાક પછી મગર ચંપાબેનને લઇને પાણીની બહાર આવ્યો હતો. લોકોએ બૂમાબૂમ કરતા મગર પાછો પાણીમાં અંદર જતો રહ્યો હતો. થોડીવાર પછી ફરીથી મગર પાણીની બહાર આવ્યો હતો અને ચંપાબેનના મૃતદેહને પાણીની ઉપર છોડીને જતો રહ્યો હતો. ફાયરબ્રિગેડના જવાનોએ મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.


વિશ્વામિત્રી નદીના પૂરના પાણીમાં મગર તણાઇને આવ્યો હતો

 વડોદરા, ચંપાબેનના સંબંધી વિજયભાઇએ જણાવ્યું હતું કે, ગયા ચોમાસામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું હતું. પૂરના પાણી સાથે મગર પણ તળાવમાં આવી ગયો હતો.  દર વર્ષે ચોમાસામાં પાણી આવતા મગર આવી જતા હોય છે. ચોમાસા પછી પાણી ઓસરતા મગર પરત જતા રહેતા હોય છે. પરંતુ, આ વર્ષે પાણી વધારે  હોવાથી મગર ગયો નહતો. ેગ્રામજનોએ ઘણી વખત મગરને તળાવમાં જોયો હતો. પરંતુ, અત્યારસુધી મગરે કોઇને નુકસાન પહોંચાડયું નથી. આ પહેલો કિસ્સો છે. જેમાં મગર મહિલાને ખેંચી ગયો હતો.


મગરને  પકડવા માટે વન વિભાગને જાણ કરાઇ

 વડોદરા,ગામની મહિલાનો મગરે શિકાર કર્યો હોઇ ગ્રામજનોમાં ભયનો માહોલ છે. ગ્રામજનોએ આ અંગે સરપંચને કાર્યવાહી કરવા માટે કહ્યું  હતું. સરપંચે વન વિભાગને જાણ કરતા આવતીકાલે વન વિભાગ દ્વારા પીંજરૃં મૂકીને મગરને પકડવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે.


મગરે હાથ એટલો જોરથી પકડયો કે, ફ્રેક્ચર થઇ ગયું

વડોદરા,પગ લપસતા તળાવના પાણીમાં પડેલી મહિલાને મગર ખેંચી ગયો હતો. મહિલાના સંબંધીએ જણાવ્યું હતું,  કે મગરે શરીરનો કોઇ અંગ કાપી નાંખ્યો નથી. માત્ર હાથ પર જ મગરના દાંતના નિશાન છે. મગરે હાથ એટલો જોરથી પકડયો હતો કે, હાથ પર ફ્રેક્ચર થઇ ગયું હતું. શરીરના અન્ય કોઇ અંગ પર ઇજા નથી.


Google NewsGoogle News