વિશ્વામિત્રીના 27 કિમી વિસ્તારમાં આજથી ફોટોગ્રાફી અને ડ્રોનથી મગરની ગણતરીઃ287 કર્મચારીઓ કામે લાગ્યા
દરેક મગરના માથાનો ભાગ અલગ હોવાથી ડે કાઉન્ટિંગ અને નાઉટ કાઉન્ટિંગ બાદ એનાલિસિસ થશે
વડોદરાઃ વડોદરામાં આવતીકાલથી વિશ્વામિત્રી નદીના ૨૭ કિમી વિસ્તારમાં બે દિવસ સુધી મગરોની ગણતરી શરૃ કરવામાં આવનાર છે.
મગરોની ગણતરી માટે વન્ય પર્યાવરણ દ્વારા સ્થાપેલા ગીર ફાઉન્ડેશન ગાંધીનગરને કામગીરી સોંપવામાં આવી છે.જે માટે આજે ફોરેસ્ટ અને એનજીઓના કાર્યકરોની સયાજી નગર ગૃહ ખાતે મીટિંગ યોજવામાં આવી હતી અને તેમાં મગરની વસ્તી ગણતરી માટે ટ્રેનિંગ આપવામાં આવી હતી.
વડોદરામાં વેમાલી થી તલસટ ગામ સુધી અંદાજે ૨૫ થી ૨૭ કિમી વિસ્તારમાં વસ્તી ગણતરી કરવામાં આવનાર છે.જેમાં એક કિમી દીઠ એક ટીમ બનાવવામાં આવી છે.જેથી કુલ ૨૭ જેટલી ટીમો કામ કરશે.
શિયાળામાં મગર સવારે બહાર નીકળતા હોય છે અને રાતે બચ્ચા બહાર નીકળતા હોય છે.જેથી ટીમો દ્વારા ડે કાઉન્ટિંગ અને નાઇટ કાઉન્ટિંગ કરવામાં આવશે.આ દરમિયાન ફોટોગ્રાફી કરવામાં આવશે અને ડ્રોન થી પણ વીડિયોગ્રાફી કરવામાં આવશે.દરેક મગરના માથાનો ભાગ અલગ હોવાથી ફોટો અને વીડિયો પરથી ડેટા એનાલિસિસ કરવામાં આવશે.