પેન્શનર પિતાની હયાતીના ખોટા પુરાવા રજૂ કરી પેન્શન ચાલું રાખવા પ્રયત્ન કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો
પિતાને મળતું પેન્શન મેળવવા માટે પુત્રએ કરી છેતરપિંડી
અધિક તિજોરી અધિકારીએ ખોટા પુરાવા રજુ કરનાર શખ્સ વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ
આ બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લા તિજોરી કચેરી મારફત બેંક ઓફ ઇન્ડિયા નીરમબાગ શાખાના ખાતામાં પેન્શન મેળવતા પૂંજાભાઈ ભગવાનભાઈ શેખવાની નિયમ અનુસાર દર વર્ષે હયાતીની ખાતરી કરવાની થતી હોય બેન્ક ઓફ ઇન્ડિયા,નીલમબાગ શાખા દ્વારા પેન્શનરને અપાયેલ હયાતી અંગેનું પ્રમાણપત્ર તિજોરી કચેરી ખાતે રજુ કરવામાં આવ્યું હતું. જેમાં પેન્શનરની સહી કચેરીના રેકર્ડ સાથે સુસંગત ન હોય તેમનું પેન્શન ઓગસ્ટ ૨૦૨૪ થી અટકાવવામાં આવ્યું હતું. આ અન્વયે પુંજાભાઈના પુત્ર પ્રકાશભાઈ શેખવા હયાતી માટે રૂબરૂ હાજર રહ્યા હતા અને પોતે પેન્શનર પુંજાભાઈ હોવાની ઓળખ આપીને ખાતરી અંગેના પ્રમાણ પત્રમાં સહી કરી હતી. આ સહી પણ કચેરીના રેકર્ડ સાથે મેચ થઈ ન હતી, તેમજ તેમનો ચહેરો પણ ફોટા સાથે મળતો ન હોય તેમને ઓળખના પુરાવાઓ રજૂ કરવા જણાવાયું હતું. ત્યારબાદ પ્રકાશ શેખવાએ ભાવનગર જિલ્લા પેન્શનર મંડળ નો પત્ર અને પોતાના ફોટા વાળી બેંકની પાસબુક પણ રજુ કરી હયાતી અંગેની ખાતરી કરાવવા વારંવાર રજૂઆત કરી હતી. તેમની કચેરી દ્વારા પૂછપરછ કરવામાં આવતા પોતે પેન્શનર પુંજાભાઈ શેખવાના પુત્ર પ્રકાશભાઈ હોવાનું મૌખિક અને લેખિત સ્વરૂપે સ્વીકારી તેઓ ચેક દ્વારા રૂબરૂ પૈસા ઉપાડતા અને તેમના પિતાની સૂચનાથી નાણાં વ્યવહાર કરતા હોવાનું જણાવ્યું હતું, તેમના પિતાને કચેરીએ રૂબરૂ લઈ આવવા જણાવવામાં આવતા તેમણે પત્ર દ્વારા વડોદરા મુકામે કરેલ સોગંદનામુ મોકલ્યું હતું. અને તેમાં પેન્શનર પુજાભાઈ ભગવાનભાઈ શેખવા હયાત હોવાનું અને વડોદરા મુકામે રહે છે તેવું જણાવ્યું હતું. આ પત્રની ખાતરી કરાવા માટે રૂબરૂ ઉપસ્થિત રહેવા પત્ર વ્યવહાર કરેલ પરંતુ આ પત્ર પણ ડિલિવર થયા વગર પરત આવ્યા હતા. આથી પેન્શનરના પુત્ર પ્રકાશ પુંજાભાઈનો વ્યવહાર શંકાસ્પદ જણાતા પેન્શનર તરીકે હયાતીની ખરાઈ થઈ શકી ન હતી. આ મામલે જિલ્લા તિજોરી કચેરીના અધિક તિજોરી અધિકારી તેજસભાઈ રશ્મિકાંતભાઈ મહેતાએ પ્રકાશભાઈ પુંજાભાઈ શેખવા વિરુદ્ધ નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસની કલમ ૨૪૨, ૩૩૬ (૨), ૩૩૬ (૩) ૩૩૮, ૩૪૯, ૩૧૬ (૨) અને ૩૧૮ (૨) મુજબ ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.