તું મને ગમતી નથી તેમ કહી મારઝૂડ કરતા પતિ અને દીયરના ત્રાસથી પત્નીનો આપઘાતઃગુનો નોંધાયો
વડોદરાઃ નવાયાર્ડ વિસ્તારમાં ગઇકાલે મધરાત બાદ ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેનાર પરિણીતાના પતિ અને દિયર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
હરિયાણાના ફરિદાબાદ ખાતે રહેતા રાજેશ યાદવે પોલીસને કહ્યંુ છે કે,મારી બહને ખૂશ્બુના લગ્ન ચાર વર્ષ પહેલાં નવાયાર્ડ રસૂલજીની ચાલીમાં રહેતા અશ્વિન બબુ યાદવ સાથે થયા હતા.અશ્વિનની સાથે તેનો ભાઇ રોહિત (બંને મૂળ રહે.પુરનપુર,રાનીગંજ, યુપી) પણ રહેતો હતો.
અશ્વિન હંમેશા મારી બહેનને તું મને ગમતી નથી,તારે ઘેર જતી રહે તેમ કહી ત્રાસ ગુજારતો હતો.તેનો ભાઇ પણ તેને સાથ આપી મારી બહેન પર અત્યાચાર ગુજારતો હતો.મારી માતાએ મને કહ્યું હતું કે,ખૂશ્બુ પર ખૂબ અત્યાચાર થઇ રહ્યો છે અને તારા મામા તા.૨૪મીએ વડોદરામાં તેને લેવા જવાના છે.
રાજેશે કહ્યું છે કે,મારી બહેનનો પુત્ર બીમાર થઇ જતાં તેને હોસ્પિટલ લઇ જવાનો બનેવી અશ્વિને ઇનકાર કર્યો હતો અને હું સારવાર કરાવાનો નથી તારા પિયરમાં લઇ જા તેમ કહી મારઝૂડ કરી હતી.જેથી મારી બહેને તા.૨૩મીએ મધરાત બાદ ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું.ફતેગંજ પોલીસે આ ફરિયાદને આધારે બંને ભાઇઓ સામે આત્મ હત્યાની દુષ્પ્રેરણા બદલ ગુનો નોંધ્યો છે.