બનાવટી વિલના સહારે મિલકતનો ગેરકાયદેસર કબજો કરનાર પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો

Updated: Nov 11th, 2021


Google NewsGoogle News
બનાવટી વિલના સહારે મિલકતનો ગેરકાયદેસર કબજો કરનાર પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો 1 - image


- મુંબઈના ઉદ્યોગપતિની જમીન પચાવી પાડવા મામલે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો

મુંબઈના ઉદ્યોગપતિની અકોટા ગામે આવેલી વડીલોપાર્જીત જમીનમાં બનાવટી વિલ ઉભું કરી મિલકત ઉપર રેસ્ટોરન્ટ શરૂ કરી અન્ય એક હિસ્સો ભાડેથી આપી મિલકત પચાવી પાડવા અંગેનો કેસ અદાલતમાં ચાલી રહ્યો છે. ત્યારે હવે કલેક્ટરે આ મામલે આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવા હુકમ કરતા ગોત્રી પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

વડોદરા શહેરના સૈયદ વાસણા રોડ ઉપર રહેતા 53 વર્ષીય મેહુલભાઈ નરેન્દ્રભાઈ ભુવા વડોદરાના બાજવા ખાતે કેમિકલ કંપની ધરાવે છે. આ કંપનીની ઓફિસ મુંબઈ ખાતે હોય હાલ તેઓ મુંબઇ  વસવાટ કરે છે . વર્ષ ૨૦૦૮ દરમિયાન તેઓના પિતાનું નિધન થતાં વડીલોપાર્જીત તેઓની માલિકીની અકોટા ગામ ખાતે સર્વે નંબર 170 વાળી જમીન અંગે અગાઉ  કલેકટરને ફરિયાદ કર્યા બાદ હવે કલેક્ટરે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા હુકમ કર્યો છે. વર્ષ 2008માં નર્મદા ભવન ખાતે સીટી સર્વેની કચેરી ખાતેથી જાણવા મળ્યું હતું કે, તેમના પિતાએ મહંમદભાઈ ઈસ્માઈલભાઈ પટેલ (રહે- 74 સહકાર નગર, મોટી મસ્જિદ, વાસણા રોડ, વડોદરા) ને આ જમીન વિલથી લખી આપી હોવાનું વીલ રજુ થયું હતું. સો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર વીલમાં તેમના પિતાની બનાવટી સહી અને સાક્ષી તરીકે રાજેશકુમાર બી સોલંકી (રહે -નારાયણ સોસાયટી, અટલાદરા ,વડોદરા) તથા અલીભાઈ હુસેનભાઇ ( રહે -લીમડા વાળું ફળિયું, તાંદલજા વડોદરા) નો સમાવેશ થાય છે જ્યારે એડવોકેટ તરીકે યોગેશ હરિકૃષ્ણ પંડ્યા ( રહે- સંગીતા ફ્લેટ, સુર્યનગર, પાણીગેટ, વડોદરા) ના સહી સિક્કા જોવા મળ્યા હતા. ફરિયાદીએ આરોપીઓ સામે બનાવટી વીલ  ઉભુ કરી દૈનિક સમાચારપત્રમાં નોટીસ પ્રસિધ્ધ કરી જમીન પચાવી પાડવા મામલે ક્રાઈમબ્રાંચ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે અંગેનો કેસ અદાલતમાં ચાલી રહ્યો છે. કલેક્ટરના આદેશ બાદ હવે અનસ મહંમદભાઈ પટેલ, આરીફ મહંમદભાઈ પટેલ, ઈકબાલ મહંમદભાઈ પટેલ, નુરી મહમ્મદભાઈ પટેલ તથા રહીમા મહંમદભાઈ પટેલ ( તમામ રહે - વ્હાઇટ હાઉસ, સૈયદવાસણા રોડ, બીનાનગર પાસે ,વડોદરા) વિરુદ્ધ ગોત્રી પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

આરોપીઓએ મિલકતમાં રેસ્ટોરન્ટ શરૂ કરી અન્ય એક ભાગ ભાડે આપી દીધો

આરોપીઓએ 40 હજાર ચોરસ ફૂટ જમીન માં ગેરકાયદેસર પ્રવેશ કરી મિલકતના બે ભાગ પાડી એક ભાગમાં  એમ આઈ પટેલ ફુડ કોર્ટ  રેસ્ટોરન્ટ શરૂ કરી તથા એક ભાગની મિલકત શ્રી સદગુરુ ફર્નિચર હાઉસ ને ભાડે આપી મિલકતનો કબજો કર્યો હતો.

ઓછું જ્ઞાન ધરાવતા આરોપીઓએ બનાવટી વીલ ઉભુ કર્યું !

વીલમાં ફરિયાદી ના પિતા મહમદભાઇ પટેલનુ માર્ગદર્શન મેળવતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે ફરિયાદી ના પિતા બીએસસી અંગ્રેજી વિષય સાથે પાસ થઇ કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા હતા. તો અંગૂઠાછાપ મહંમદ પટેલ પાસેથી માર્ગદર્શન કેવી રીતે મેળવે તે સવાલ ઉદભવ્યો હતો.આ ઉપરાંત મોહમ્મદભાઈ પટેલે ફરિયાદીના પિતાને આર્થિકમદદ કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે તેમનો પરિવાર શરૂઆતથી જ સધ્ધર છે. વીલમાં કંપની ફરિયાદીના નામે દર્શાવી છે. પરંતુ પબ્લિક લિમિટેડ કંપનીના માલિક શેરહોલ્ડર કહેવાય.


Google NewsGoogle News