Get The App

રાજકોટના ફાયર ઓફિસર ઠેબા સામે અપ્રમાણસર મિલ્કતો અંગે ગુનો

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
રાજકોટના ફાયર ઓફિસર ઠેબા સામે અપ્રમાણસર મિલ્કતો અંગે ગુનો 1 - image


અગ્નિકાંડમાં ભૂમિકાની પણ સિટ તપાસ કરી રહી છે  : 12 વર્ષ દરમિયાન દેખીતી આવક કરતાં 80 લાખની એટલે કે 67 ટકા જેટલી અપ્રમાણસર મિલ્કતો વસાવી હતી

રાજકોટ, : રાજકોટના અગ્નિકાંડમાં જેની ભૂમિકાની હાલ સિટ તપાસ કરી રહી છે તેવા ડે. ફાયર ઓફિસર ભીખાભાઈ જીવાભાઈ ઠેબા સામે આજે એસીબીએ અપ્રમાણસર મિલ્કત અંગે ગુનો દાખલ કરી તત્કાળ ધરપકડ કરી લીધી હતી. તાજેતરમાં જ રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ પાંચેક વર્ષ પહેલાં પોતે જયારે સાંસદ ન હતા ત્યારે ફાયર એનઓસી માટે ઠેબાએ આર્કિટેકટ મારફત રૂ૭૦ હજારની લાંચ માગ્યાનો પરંતુ કામ નહીં થતાં રકમ પરત આપી દીધાનો આક્ષેપ કર્યો હતો. જેના પગલે ઠેબા ઉપર એસીબીની તવાઈ ઉતરે તેવી શકયતા ઉભી થઈ હતી. જે આજે સાચી પડી છે. 

એસીબીએ 2012થી લઈ 2-24 ની સાલ સુધી ઠેબાની આવક અને મિલ્કતો અંગે તપાસ  કરી હતી. તપાસના અંતે રૂ 79.95 લાખની એટલે કે દેખીતી આવક કરતાં 67.27 ટકા વધુ અપ્રમાણસર મિલ્કતો મળી આવતાં ગુનો દાખલ કરવામાં આવ્યાનું એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું. 

આ કેસમાં એસીબીના રાજકોટ એકમના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ સરકાર તરફે ફરિયાદી બન્યા છે. એસીબી પોલીસ મથકમાં ઠેબા સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 (સુધારો 2018)ની કલમ-13(1) (B) તથા 13 (2) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીએ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરૂપયોગ કરી, ઈરાદાપૂર્વક ગેરકાયદે રીતે ધનવાન થવા માટે વિવિધ ભ્રષ્ટ રીતરસમો અપનાવી નાણાં મેળવી તેનો ઉપયોગ કરી પોતાના તથા આશ્રિતોના નામે મિલ્કતોમાં રોકાણ કર્યાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થઈ રહ્યું છે.   આ કેસની આગળની તપાસ દરમિયાન અપ્રમાણસર મિલ્કતોનો આંક વધે તેવી શકયતા નકારાતી નથી.  અગ્નિકાંડના અમુક આરોપી અધિકારીઓની અપ્રમાણસર મિલ્કતો અંગે પણ એસીબી હાલ તપાસ કરી રહી છે. તપાસના અંતે  તેમની સામે ગુના દાખલ થાય તેવી સંભાવના છે.

અગ્નિકાંડ અંગે તપાસ કરતી સિટે થોડા દિવસો પહેલાં જ અચાનક ઠેબાની ઓફિસે જઈ રેકર્ડની તપાસ કરી હતી. તે વખતે સિટના સૂત્રોએ જણાવ્યું કે અગ્નિકાંડમાં ઠેબાની ભૂમિકા છે કે કેમ તેની હાલ તપાસ થઈ રહી છે. ઠેબાનું સિટની ટીમે નિવેદન નોંધી પુછપરછ પણ કરી હતી. 

સિટની આ કાર્યવાહી સાથે જ એસીબી પણ ઠેબાની અપ્રમાણસર મિલ્કતો અંગે તપાસ શરૂ કરી રહી હતી. આજે ધરપકડ કરાયા બાદ આવતીકાલે એસીબી રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરશે. અગ્નિકાંડમાં આ અગાઉ એક ફાયર ઓફિસર રોહિત વીગોરાની સિટે ધરપકડ કરી હતી. જે હાલ રિમાન્ડ પર છે 


Google NewsGoogle News