અમદાવાદ સાયબર ક્રાઇમ PI મકવાણા અને ત્રણ પોલીસકર્મીઓ વિરુદ્ધ સુરતમાં ગુનો નોંધાયો, તપાસ દરમિયાન વકીલ અને તેમના મિત્ર સાથે થઈ હતી તકરાર
Surat Sarthana Police Station : ગુનાની તપાસ માટે સુરત આવેલા અમદાવાદ સાયબર ક્રાઇમ પીઆઈ મકવાણા અને અન્ય ત્રણ પોલીસકર્મીઓએ ગતરાત્રે સરથાણા જકાતનાકા ટાઈમ શોપર્સની એક દુકાનમાં યુવાનને બેસાડી દેતા તેની મદદ માટે ગયેલા વકીલ અને તેમના મિત્રને પણ ધક્કો મારી ગાળો આપી બેસાડી દેવાની ધમકી આપતા વકીલે પીઆઇ અને સ્ટાફ વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગર મહુવાના મોદા ગામના વતની અને સુરતમાં સરથાણા જકાતનાકા તક્ષશીલા આર્કેડની પાછળ નિર્મળનગર સોસાયટી ઘર નં.189 માં રહેતા 33 વર્ષીય વકીલ નરેન્દ્રભાઈ ધનજીભાઈ સોરઠીયા સરથાણા જકાતનાકા ડ્રિમલેન્ડ શોપીંગ સેન્ટર દુકાન નં.210 માં ઓફિસ ધરાવે છે. ગતરાત્રે 11 વાગ્યે તે ઓફિસ બિલ્ડીંગના પાર્કીંગમાં બેસેલા હતા ત્યારે તેમના મિત્ર યોગેશ મુંજપરા ત્યાં આવ્યા હતા અને સાયબર ક્રાઈમનો કેસ છે. અમીરસ હોટલની બાજુમાં અમદાવાદ પોલીસ આવી છે. શેનો કેસ છે તે જાણવાનું છે અને તમારે વકીલ તરીકે કેસ હેન્ડલ કરવાનો છે. તમારી જે ફી થાય તે લઈ લેજો તેમ કહેતા નરેન્દ્રભાઈ મિત્ર સાથે સરથાણા જકાતનાકા ટાઈમ શોપર્સ બિલ્ડીંગમાં ગયા હતા.
ત્યાં હાજર લલ્લુભાઈ ગાંગાણીએ પોલીસે જે યુવાન દિવ્યેશને બેસાડી દીધો છે તેના પિતા અશોકભાઈ સવાણી આવે છે તેમ કહ્યા બાદ થોડીવારમાં અશોકભાઈ ત્યાં આવ્યા હતા. અશોકભાઈએ વકીલ નરેન્દ્રભાઈને કહ્યું હતું કે દિવ્યેશને પહેલા માળે બેસાડી રાખી પોલીસ કોઈ જવાબ આપતી નથી. આથી નરેન્દ્રભાઈ અને તેમના મિત્ર યોગેશ પહેલા માળે એક દુકાનમાં ગયા ત્યાં બે વ્યક્તિ નીચે બેસેલા હતા. જયારે બીજા ચાર વ્યક્તિ ખુરશી અને સોફા ઉપર બેસેલા હતા ને કાગળો જોતા હતા. નરેન્દ્રભાઈએ દિવ્યેશ કહેતા જ ખુરશી ઉપર બેસેલો એક વ્યક્તિ ઉભો થયો હતો અને નરેન્દ્રભાઈનો ડાબો હાથ પકડી બળજબરીપૂર્વક દુકાનની બહાર કાઢી મુક્યા હતા.તેમની સાથેના અન્ય ત્રણ વ્યક્તિએ પણ બહાર આવી નરેન્દ્રભાઈ અને તેમના મિત્ર યોગેશને ઢીક મારી ધક્કો મારતા નરેન્દ્રભાઈએ તેમને મને સાંભળો તો ખરા તેમ કહ્યું તે સાથે એક વ્યક્તિએ ગાળો આપી હતી.
નરેન્દ્રભાઈએ તેમને પોતાની વકીલ તરીકેની ઓળખ આપી હતી છતાં તે વ્યક્તિએ તેમને અહીંથી નીકળી જાવ તેવું ધમકીભર્યા ઉંચા અવાજમાં કહ્યું હતું. આથી મિત્ર સાથે નીચે આવી નરેન્દ્રભાઈએ આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી જાણ કરતા પીસીઆર વાન ત્યાં આવી હતી અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે અમદાવાદ સાયબર ક્રાઈમ પીઆઈ મકવાણા અને સ્ટાફે દિવ્યેશને બેસાડી રાખી બાદમાં તેમની સાથે ગેરવર્તણૂક કરી છે. આ અંગે વકીલ નરેન્દ્રભાઈએ આજે મળસ્કે પીઆઈ મકવાણા અને સ્ટાફ વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.