પાર્કિંગની આડમાં ચાલતા દારૃના ધંધા પર ક્રાઇમ બ્રાંચની રેડ : બે ઝડપાયા
માંજલપુરમાં છેલ્લા છ મહિનાથી દારૃનો ધંધો બેરોકટોક ચાલતો હતો
ગ્રાહકો માટે ઓનલાઇન પેમેન્ટની પણ સુવિધા : સ્કેનર કબજે
વડોદરા,માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા છ મહિનાથી વિદેશી દારૃનો ધંધો પોલીસની રહેમ નજર ચાલતો હોવાનું જણાઇ આવે છે. માંજલપુર પોલીસને આ દારૃનો ધંધો દેખાતો નહતો અને ડીસીબીએ રેડ પાડી પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી બે આરોપીઓેને ઝડપી પાડયા છે.
ડીસીબી પોલીસને માહિતી મળી હતી કે, માંજલપુર કુંભારવાડા ખાતે રહેતો ભાવેશ કાળીદાસ સોલંકી નામનો વ્યક્તિ રોયલ રેસ્ટોરન્ટની સામે ખુલ્લા પ્લોટમાં પાર્કિંગની આડમાં માણસો મારફતે દારૃનું વેચાણ કરે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા બે વ્યક્તિઓ પાર્કિંગમાં ટુ વ્હીલર પર બેઠા હતા.પોલીસે (૧) કૌશિક ઉર્ફે કાવો ભાઇલાલભાઇ સોલંકી (રહે. જયરામદાસ મહોલ્લો, માંજલપુર ગામ) તથા (૨) ભાવિક રાજુભાઇ ભીલ (રહે.ઇન્દિરાનગર, દશરથ ગામ)ને ઝડપી પાડયા હતા. ટુ વ્હીલર પર મૂકેલા થેલામાં પોલીસે ચેક કરતા વિદેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો. કૌશિકને પૂછતા તેણે જણાવ્યું હતું કે, આ દારૃનો જથ્થો મારા શેઠ ભાવેશ ઉર્ફે ભાવો કાળીદાસ સોલંકી મંગાવે છે. મારા શેઠ મોપેડ પર થોડી થોડી વારે દારૃ આપી જાય છે. મને તથા ભાવિકને દારૃ વેચાણ કરવા માટે નોકરી પર રાખ્યા છે. છ મહિનાથી દારૃનો ધંધો કરીએ છે. દારૃ લેવા માટે આવતા ગ્રાહકો પાસે રોકડા રૃપિયા ન હોય તો મારા શેઠે સ્કેનર પણ આપ્યું છે. જે સ્કેનર મારફતે બેન્ક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાં રૃપિયા જમા થાય છે. મારા શેઠ રોજના ૫૦૦ રૃપિયા પગાર ચૂકવે છે.આ દારૃનો જથ્થો ભાલીયાપુરા ગામે રહેતા આકાશ નામના વ્યક્તિ પાસેથી તેઓ લાવે છે.પોલીસે એકાઉન્ટના ટ્રાન્જેક્શનની વિગતો મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે દારૃની ૮૪ બોટલ, રોકડા રૃપિયા, મોબાઇલ ફોન, બે ટુ વ્હીલર સહિત કુલ રૃપિયા ૧.૦૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.