મિયાણીમાં વીજ ચેકિંગ દરમિયાન ઘર્ષણ કરવા મુદ્દે ચાર સામે ગુનો
પોલીસે એક આરોપીની ધરપકડ કરી
ગેરરીતિ બહાર આવતા આરોપીઓએ કર્મચારીઓની ફરજમાં રૂકાવટ ઉભી કર્યાની પોલીસ ફરિયાદ
હળવદ પંથકમાં છેલ્લા ચાર પાંચ દિવસથી પીજીવીસીએલ દ્વારા ગ્રામ્ય પંથક અને શહેર પંથકમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. દરમિયાન બુધવારે વહેલી સવારે વિજીલન્સની દસ ટીમ દ્વારા મિયાણી ગામમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં નાયબ કાર્યપાલ ઇજનેર નીલેશભાઈ જાદવભાઈ ખેતરપાલ સહિતની ટીમ પ્રકાશ રણછોડભાઈ રંભાણીના ઘરે ગયા હતા. ત્યારે પ્રકાશના ઘરે વીજળીની ગેરરીતી જણાતા ઘર માલિકનું નામ ઠામ પુછતાં મકાન માલિકે બોલાચાલી કરી હતી. ત્યારે અન્ય આરોપીઓ આવી ગાળો આપી નીલેશભાઈ જાદવભાઈ ખેતરપાલને ઘરમાંથી બહાર નીકળી જા નહીતર મજા નહિ આવે કહીને ધમકી આપી હતી.
તેમજ નીલેશભાઈ જાદવભાઈ ખેતરપાલ વીજ ચેકિંગની કાર્યવાહી કરી શેરીમાં ઉભા હતા ત્યારે વીજ ચેકિંગ બાબતે અજાણ્યાઓ પુરુષ હાથમાં ધોકો લઈને આવી તેમજ અજાણી મહિલાએ બોલાચાલી કરી ફરજમાં રૂકાવટ કરી હતી. ટીમના અન્ય સભ્યોએ મામલો શાંત પાડવા જતા આરોપીઓએ તેને પણ ગાળો આપી કાયદેસર ફરજમાં રૂકાવટ કરી હતી. આ મામલે ખંભાળિયા ટાઉનહોલ સામે રહેતા નીલેશભાઈ જાદવભાઈ ખેતરપાલ (ઉ.વ.૫૧)એ આરોપી પ્રકાશ રણછોડભાઈ રંભાણી, ચતુર માંડણ રંભાણી (રહે બંને મિયાણી) તેમજ એક અજાણ્યો પુરુષ અને એક અજાણી મહિલા સહિતના ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હળવદ પોલીસે ફરિયાદ નોંધી આરોપી ચતુર રંભાણીને ઝડપી લીધો છે. જયારે અન્ય આરોપીને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે.