Get The App

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ફાઇનાન્સની ઓફિસમાંથી ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક પકડાયું

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ફાઇનાન્સની ઓફિસમાંથી ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક પકડાયું 1 - image


Jamnagar Cricket Betting : જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી એક ફાઇનાન્સની ઓફિસમાંથી સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક પકડી પાડ્યું છે, અને મોબાઈલ ફોનની ક્રિકેટની આઈડી પરથી હારજીતનો સટ્ટો રમી રહેલા ત્રણ શખ્સોને પકડી પાડ્યા છે અને તેઓ પાસેથી રૂપિયા સાડા ત્રણ લાખની કિંમતના મોબાઈલ ફોન સહિતનું ક્રિકેટના સટ્ટાનું સામાન કબજે કર્યો છે. જ્યારે તેઓની સાથે ક્રિકેટના સોદાની કપાત કરનાર મુખ્ય બુકીને ફરાર જાહેર કર્યો છે.

જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી, કે ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલા આશાપુરા કોમ્પલેક્ષમાં ક્રિષ્ના ફાઇનાન્સ નામની ઓફિસમાં કેટલાક શખ્સો એકત્ર થઈને મોબાઈલ ફોન મારફતે ક્રિકેટનો સટ્ટો રમી રહ્યા છે. જે બાતમીના આધારે ગઈકાલે સાંજે દારોડો પાડ્યો હતો.

જે દરોડા દરમિયાન ત્રણ શખ્સો જુદા-જુદા મોબાઈલ ફોનની ક્રિકેટની આઇ.ડી. પર બાંગ્લાદેશમાં રમાઈ રહેલી ક્રિકેટ ટુર્નામેન્ટ પર હારજીત કરી રહેલા મળી આવ્યા હતા. તેથી પોલીસે ફાઈનાન્સ ઓફિસના સંચાલક ચિરાગ સુરેશભાઈ આહીર, ઉપરાંત રવિ નવીનભાઈ ગોરી અને સિકંદર ઈસ્માઈલભાઈ દલવાણીની અટકાયત કરી લીધી છે. જેઓ પાસેથી જુદા-જુદા ચાર નંગ કિંમતી મોબાઈલ ફોન અને રૂપિયા 20,000 ની રોકડ રકમ સહિત કુલ રૂપિયા 3,70,000 ની માલમતા કબજે કરી છે.

પોલીસની પૂછપરછ દરમિયાન જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા મહેન્દ્રસિંહ પરાક્રમ સિંહ રાણા નામના મુખ્ય બુકી સાથે ક્રિકેટની આઈડી પર સોદાની કપાત કરતા હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કર્યો છે અને શોધ ખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News