રાજકોટના બુકીઓ પાસેથી ક્રિકેટના સટ્ટાના રૂ. 3.50 કરોડના વહેવારો મળ્યા
જે માહિતી મળી છે તેને ડિકોડ કરવા પ્રયાસ દેશભરમાં 3 મોટા બુકીઓની શોધખોળ
રાજકોટ, : રાજકોટના ઈતિહાસનાં સૌથી મોટા ક્રિકેટ સટ્ટાના રેકેટનો ગઈકાલે ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કરી ત્રણ બુકીઓને ઝડપી લીધા હતા. તેમની પાસેથી મળેલા મોબાઈલ ફોનનાં આધારે 3.50 કરોડના વહેવારો થયાનું ક્રાઈમ બ્રાંચને જાણવા મળ્યું છે. ઝડપાયેલા ત્રણેય બુકીઓમાં તેજશ રાજુ રાજદેવ ઉપરાંત નિરવ દિપક પોપટ અને તેના ભાઈ અમિત ઉર્ફે મોન્ટુ ખમણના નામ ખુલ્યા છે. આ ત્રણેય બુકીઓને ઝડપી લેવા માટે ક્રાઈમ બ્રાંચની જુદી-જુદી ટીમો કામે લગાડાઈ છે. આ ત્રણેય બુકીઓ ઝડપાયા બાદ બીજા અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા નકારાતી નથી.
ક્રાઈમ બ્રાંચના એસીપી ભરત બસીયા અને પીઆઈ બી. ટી. ગોહિલે મળેલી ચોકકસ બાતમીના આધારે ગઈકાલે જુદા-જુદા ત્રણ સ્થળે દરોડા પાડી રાજકોટના ઈતિહાસના સૌથી મોટા ક્રિકેટના સટ્ટાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ક્રાઈમ બ્રાંચે લગભગ એક જ સમયે ત્રણેય સ્થળે દરોડા પાડયા હતા. રૈયા રોડ પરથી ભાવેશ અશોક ખખ્ખર (ઉ.વ. 42, રહે. શાલીગ્રામ એપાર્ટમેન્ટ, ફલેટ નં. 32, ભુપેન્દ્ર રોડ)ને ઝડપી લીધો હતો. તેની પૂછપરછમાં સુકેતુ ભુતા, નિરવ પોપટ અને તેના ભાઈ અમિત ઉર્ફે મોન્ટુ ઉપરાંત તેજશ રાજદેવના નામ ખુલ્યા હતા.
બીજો દરોડો એસ્ટ્રોન ચોકમાં સ્થિત ફોર પ્લસ બિલ્ડીંગમાં ઓફિસ નં. 306માં ચાલતી ઈન્દિરા ફાયનાન્સમાં પાડયો હતો. જયાંથી સુકેતુ (ઉ.વ. 45, રહે. સત્યસાંઈ હોસ્પિટલ પાસે, કાશા કોપર એપાર્ટમેન્ટ)ને ઝડપી લીધો હતો. તેની પાસેથી રૂ. 11.65 લાખ રોકડા પણ કબ્જે કર્યા હતા. તેની પૂછપરછમાં નિરવ, તેના ભાઈ અમિત અને તેજશના નામ ખુલ્યા હતા. નવાગામ બસ સ્ટેન્ડ પાસે ત્રીજા દરોડામાં નિશાંત હરેશ ચગ (ઉ.વ. 23, રહે. માધાપર ચોકડી પાસે, સુંદરમ સિટી લોટસ વીંગ)ને ઝડપી લીધો હતો. તેની પૂછપરછમાં સુકેતુ ઉપરાંત તેજશના નામ ખુલ્યા હતા. ઝડપાયેલા ત્રણેય બુકીઓ પાસેથી ક્રાઈમ બ્રાંચને ચેરીબેટ-9, મેજીક એક્ષચેંજ અને ગો એક્ષચેંજ નામની માસ્ટર આઈડ મળી આવી હતી.
શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું કે ત્રણેય આરોપીઓ પાસેથી જે ડિટેઈલ મળી છે તેને ડીકોડ કરવા માટે સાયબર નિષ્ણાંતોની મદદ લેવામાં આવી રહી છે. જયારે ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે ત્રણેય આરોપીઓ સાથે કયા કયા બુકીઓ અને પંટરો કામ કરતા હતા તેની માહિતી મેળવવામાં આવી રહી છે. બુકીઓ અને પંટરોના નામ કોડવર્ડમાં લખેલા છે. આ સ્થિતિમાં તેમના સાચા નામ શું છે તેની માહિતી આરોપીઓ પાસેથી મેળવવા માટે પ્રયાસો જારી રખાયા છે.