સાડી-શુટના વેપારીની ફર્મ જેવી જ વેબસાઈટ બનાવી ઓનલાઈન ઓર્ડર મેળવી ભેજાબાજે હલકી ગુણવત્તાનો માલ મોકલ્યો
Image Source: Freepik
રીંગરોડ મૂલચંદ માર્કેટના વેપારીને ગ્રાહકો અને વેપારીઓએ માલ ખરાબ મળ્યાની ફરિયાદ કરતા તપાસ કરી તો હકીકત જાણવા મળી
વેપારી અને ગ્રાહકોએ તેમની કંપનીએ ખરાબ માલ મોકલ્યો છે તેમ સમજી તેમને ફરિયાદ કરી હતી
સુરત, તા. 01 નવેમ્બર 2023 બુધવાર
સુરતના રીંગરોડ મૂલચંદ માર્કેટના સાડી-શુટના વેપારીની ફર્મ જેવી જ વેબસાઈટ બનાવી ઓનલાઈન ઓર્ડર મેળવી હલકી ગુણવત્તાનો માલ મોકલતા ભેજાબાજ વિરુદ્ધ સલાબતપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેસુ એસ.ડી.જૈન સ્કુલની સામે જોલી રેસિડન્સી ડી/1203 માં રહેતા 39 વર્ષીય મયંકભાઈ અશોકકુમાર નારંગ રીંગરોડ મૂલચંદ માર્કેટમાં એમ.કે.ટેક્ષટાઈલના નામે સાડી-શુટનો .હોલસેલ અને ઓનલાઈન વેપાર કરે છે.ઓનલાઈન વેપાર માટે તેમણે Saree Sutra વેબસાઈટ બનાવી હતી.
જોકે, ગત 23 ઓગષ્ટ બાદ તેમને કેટલાક ગ્રાહકો અને વેપારીના ઓનલાઈન ઓર્ડર બાદ ખરાબ માલ મળ્યાના અને ઓર્ડર મુજબ માલ નહીં મોકલ્યાની ફરિયાદના ફોન આવતા ચોંક્યા હતા.
તેમણે તપાસ કરી તો કોઈકે તેમની ફર્મના નામ જેવીજ વેબસાઈટ બનાવી ઓર્ડર મેળવી આ કરતૂત કરી હતી અને બરાબર માલ નહીં મળતા વેપારી અને ગ્રાહકોએ તેમની કંપનીએ ખરાબ માલ મોકલ્યો છે તેમ સમજી તેમને ફરિયાદ કરી હતી.મયંકભાઈએ આ અંગે સાયબર ક્રાઈમ પોર્ટલ પર અરજી કરી હતી.તેના આધારે સલાબતપુરા પોલીસે ગતરોજ ભેજાબાજ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.