ભાવ વધારો છતા દશેરા નિમિત્તે ફાફડા જલેબી ખાવા માટે શહેરીજનોમાં ભારે ક્રેઝ
વડોદરાઃ શહેરમાં પાંચ ઓક્ટોબર, બુધવારે દશેરા પર્વની ઉજવણી થશે.દશેરાના તહેવારની ઉજવણી મોટાભાગના લોકો માટે ફાફડા જલેબી ખાધા વગર પૂરી થતી નથી .બે વર્ષ બાદ કોરોનાના ઓછાયામાંથી બહાર નિકળેલા લોકોમાં આ વખતે ફાફડા , જલેબી માટે જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે.સાથે સાથે ફાફડા અને જલેબીના ભાવમાં પ્રતિ કિલોએ ૩૦ થી ૪૦ રુપિયાનો વધારો પણ જોવા મળ્યો છે.
મોંઘવારીની આગ ફાફડા જલેબીને પણ દઝાડી ચુકી છે.શહેરમાં આ વખતે પણ ૨ કરોડ રુપિયા કરતા વધારેના ફાફડા જલેબી લોકો ખાઈ જાય તેવી સંભાવના છે.દશેરાની પૂર્વ સંધ્યાએથી જ ફાફડા જલેબી લોકોએ ખરીદવા માંડયા હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળ્યા હતા.શહેરના વિવિધ વિસ્તારોમાં ફરસાણની દુકાનોની સાથે સાથે રસ્તાઓ પર પણ ફાફડા જલેબીના સ્ટોલ આજથી જ ઉભા થઈ ગયા હતા.બુધવારે પણ ફાફડા જલેબીની દુકાનો અને સ્ટોલ પર લોકોનો ભારે ધસારો થશે તેવુ લાગી રહ્યુ છે.
ઘણા લોકોએ આવતીકાલે માટે ફાફડા જલેબીનુ બૂકિંગ કરાવી લીધુ હતુ .એક વેપારીનુ કહેવુ હતુ કે, લોકોને ગરમ ગરમ ફાફડા વધારે પસંદ હોવાથી ઘણા આજે જ ફાફડા લઈ ગયા છે.એક કિલો ફાફડાનો આ વખતે ૪૫૦ થી ૫૦૦ રુપિયા ભાવ છે અને જલેબીનો ૫૫૦ તી ૬૫૦ રુપિયા સુધી પહોંચ્યો છે.
વેપારીઓનુ કહેવુ છે કે, મજૂરીની સાથે સાથે ફાફડા જલેબીમાં વપરાતો લોટ, તેલ અને બીજુ મટિરિયલ પણ મોઘુ થઈ ગયુ છે.જેની અસર ફાફડા જલેબીના ભાવ પર દેખાઈ રહી છે.જોકે લોકો જે રીતે આગલા દિવસથી ધસારો કરી રહ્યા છે તે જોતા ભાવમાં વધારો પણ લોકોના ફાફડા જલેબી ખાવાના ઉત્સાહને ઓછો કરે તેમ લાગતુ નથી.