121 બ્રિજ સાથે સુરત દેશમાં બ્રિજ સિટી તરીકે પ્રસ્થાપિતઃ સી આર પાટીલ
- બ્રિજ સિટી સુરતમાં આજે વધુ એક બ્રિજ ખુલ્લો મુકાયો
- ભાઠેના ખાતે વધુ એક ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ, આ બ્રિજને કારણે આ વિસ્તારની ટ્રાફિક સમસ્યાનો મહદંશે ઉકેલ આવશે
સુરત, તા. 00 નવેમ્બર 2023, ગુરૂવાર
સુરત શહેરમાં આજે ભાઠેના ખાતે વધુ એક ફ્લાય ઓવર બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ભાઠેના ખાતે આજથી શરૂ થયેલા બ્રિજને કારણે ટેક્સટાઈલ માર્કેટ અને હાઈવે પર પહોંચવા માટે વાહન ચાલકોને ભારે રાહત મળશે. અંદાજે 37 કરોડ રૂપિયાના ખર્ચે 560 મીટર લાંબા બ્રિજના નિર્માણને કારણે પ્રતિદિન સરેરાશ 10 લાખ લોકોને સીધો લાભ મળતાં રોજીંદા ટ્રાફિક જામની સમસ્યાથી પણ નાગરિકોને રાહત મળશે.
માથેના ફ્લાવર બ્રિજ ના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલે જણાવ્યું હતું કે, સુરત શહેર એક તબક્કે ટેક્સટાઈલ નગરી અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું હતું. જે હવે બ્રિજ સિટી તરીકે પણ પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવામાં સફળ રહ્યું છે. સંભવતઃ સમગ્ર દેશમાં સુરત શહેરમાં સૌથી વધુ ફ્લાય ઓવર અને રેલવે ઓવર બ્રિજ તથા ખાડી બ્રિજ મળીને હાલ સુરત શહેરમાં 121 બ્રિજ છે.
સતત વધી રહેલા ટ્રાફિકના ભારણ અને વાહન ચાલકોને હાલાકીને ધ્યાને રાખીને સુરત મહાનગર પાલિકા દ્વારા જરૂરી સર્વે હાથ ધર્યા બાદ ભાઠેના ખાતે ફ્લાય ઓવર બ્રિજની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સુરત મહાનગર પાલિકા નાગરિકોની સુવિધા અને ટ્રાફિક જામની સમસ્યાને હળવી કરવા માટે હરહંમેશ કટિબદ્ધ છે. આજે સુરત શહેરનો વિકાસ દેશ જ નહીં પરંતુ સમગ્ર દુનિયાના શહેરો માટે ઉદાહરણ રૂપ સાબિત થઈ રહ્યો છે.