વરઘોડામાં ડી.જે.ના તાલથી ગાય ભડકી : નાસભાગમાં ત્રણ મહિલા સહિત ડઝન જાનૈયાને શીંગડે ભેરાવ્યા
Vadodara : વડોદરા શહેરને ઢોર મુક્ત કરવાની વાતો માત્ર કાગળ પર જ સુંદર લાગે છે બાકી તંત્ર માત્ર જુદી-જુદી સ્કીમો જ કાગળ પર ઘડતી રહે છે. શહેરના કલાલી વિસ્તારમાંથી તાજેતરમાં અગાઉ રંગે ચંગે પસાર થતા વરઘોડામાં ભડકેલી ગાય ઘુસી જતા જાનૈયાઓમાં ગભરાટભરી નાસભાગ મચી ગઈ હતી. જેમાં ડઝન જેટલા જાનૈયાઓને બીજા પહોંચી હતી આ જાનૈયાઓ પૈકી ચારને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે શહેરના દક્ષિણ વિસ્તારના પરિવારમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો. રંગે ચંગે વરરાજાની જાન ડીજેના તાલે જાનૈયાઓના નાચ ગાન સાથે સાંજે પ્રસ્થાન થઈ હતી. મહિલાઓ સહિત બાળકો વરઘોડામાં ઉલ્લાસબેન નાચગાન કરી રહ્યા હતા. મેઇન રોડ પરથી બેન્ડવાજા અને ડીજેના તાલે પસાર થતી જાન આગળ જતી હતી. દરમિયાન રસ્તા પરથી નીકળેલી ગાય અચાનક ડીજેના અવાજથી એકદમ ભડકી હતી અને જાહેર રોડ પર દોડાદોડ કરવા માંડી હતી. દોડાદોડ કરતી ગાય જોત જોતામાં વરઘોડામાં ઘૂસી ગઈ હતી. આ ઉપરાંત રોડ પરથી પણ પસાર થતા એકાદ બે જણાને શીંગડે ચડાવ્યા હતા. વરઘોડામાં ઘૂસેલી ગાયથી બચવા નાસભાગ મચી હતી. પરિણામે બગીમાં બિરાજેલા વરરાજા એકલા પડી જતા તેમને પણ ગભરાટ થયો હતો. જોકે ભડકેલી ગાયે બેથી ત્રણ મહિલા સહિત ડઝન જેટલા જાનૈયાને શીંગડે ભેરવ્યા હતા. પરિણામે ઈજાગ્રસ્ત ચાર જાનૈયાઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્ર દ્વારા છેલ્લા કેટલાય વખતથી રોડ રસ્તે રખડતી ગાયો પકડવા બાબતે કોઈપણ જાતનું પ્લાનિંગ કે પ્રોગ્રામ નથી પરિણામે રખડતી ગાયો ટેસથી ખુલ્લેઆમ જાહેર રોડ પર મોજથી ફરીને અઠવાડ સહિત કુડો કચરો ખાવા રોડ પર ફરતી રહે છે. જાનમાં ઘૂસેલી ગાયથી સદભાગ્યે ઇજાગ્રસ્તો પૈકી કોઈ જાનૈયાઓને ગંભીર જા નહીં થતાં વરઘોડામાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે બીજી બાજુ પાલિકા તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા હતા. રોડ પર ભડકેલી ગાય વરઘોડામાં ઘૂસી જતા મચેલી ગભરાટ ભરી નાસભાગના કારણે રોડ રસ્તા પરથી પણ પસાર થતા લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ટુ-વ્હીલર ચાલકો પણ જે તે જગ્યાએ સ્વ બચાવમાં ઊભા રહી ગયા હતા. અગાઉ રખડતા ઢોર માટે હાઇકોર્ટે સરકારને આડે હાથ લીધા બાદ પાલિકા તંત્ર દેખાવ પૂરતું 4-6 દિવસ રખડતા ઢોર પકડીને જાણે હવે રોડ-રસ્તા પર ક્યાંય રખડતા ઢોર નહીં જોવા મળે એવી શેખી પાલિકા તંત્ર દ્વારા કરાતી હતી. પરંતુ કાળક્રમે પાલિકા તંત્ર બધું અન્ય કાગળોની નીચે બધું દબાઈ જતા રખડતી ગાય ઢોર પકડવાના કોઈ કાર્યક્રમો પાલિકા દ્વારા થતા હોય એવું ક્યાંય જણાતું નથી. જોકે તમામ ઇજાગ્રસ્તોને કલાલીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ પ્રાથમિક સારવાર થતાં રજા આપવામાં આવી હતી.