હરણી બોટકાંડના આરોપીઓ સામે ટ્રાયલ ચલાવવા કોર્ટનો હુકમ
૧૨ બાળકો અને બે શિક્ષિકાના મોત થયા હતા : ૧૫ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી નામંજૂર
વડોદરા,હરણી બોટકાંડમાં સંડોવાયેલા ૨૦ પૈકીના ૧૫ આરોપીઓએ દોષ મુક્ત થવા માટે કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી. જે અરજી અદાલતે નામંજૂર કરી ગુનાની ટ્રાયલ ચલાવવા તથા તહોમત ફરમાવવાનો હુકમ કર્યો છે.
વાઘોડિયા રોડની સનરાઇઝ સ્કૂલના બાળકો પિકનિક માટે હરણી લેકઝોન ખાતે ગત તા. ૧૮ - ૦ ૧ - ૨૦૨૪ ના રોજ થયા હતા. બોટિંગ સમયે સર્જાયેલી દુર્ઘટનામાં બે શિક્ષિકા અને ૧૨ બાળકોના મોત થયા હતા. આ ગુનામાં પકડાયેલા ૨૦ પૈકીના ૧૫ આરોપીઓએ પોતે નિર્દોષ હોવાનું જણાવી કેસમાંથી ડિસ્ચાર્જ કરવા અદાલતમાં અરજી કરી હતી.
સરકાર તરફે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યૂટર અને મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી કે, કોટિયા પ્રોજેક્ટ અને અન્ય પેટા કોન્ટ્રાક્ટર ડોલ્ફીન તથા ટ્રી સ્ટારના માલિક, ભાગીદારોને પ્રથમથી જ એ હકીકતની જાણ હોય કે બોટિંગની એક્ટિવિટી ૧૫ થી ૨૦ ફૂટ ઉંડા પાણીમાં કરવામાં આવે છે. લોકોને બોટમાં બેસાડી તળાવમાં ફેરવવામાં આવે ત્યારે સહેજપણ બેદરકારી કરવાથી જિંંદગીના અંત સુધીનું જોખમ રહેલું છે. આ અંગેના ક્લોઝ કોન્ટ્રાક્ટમાં રાખવામાં આવ્યા હતા. કોર્પોરેશન દ્વારા પત્ર લખીને તાકીદ કરવામાં આવી હતી. પરંતુ, કોઇ આરોપીએ તે ધ્યાને લીધી નહતી.
બંને પક્ષની રજૂઆતો ધ્યાને લઇ એડિશનલ સેશન્સ જજ આર.બી. ઇટાલીયાએ નોંધ્યું હતું કે, કોર્ટે સંવેદનામાં આવ્યા વિના કાયદા મુજબ કાર્યવાહી કરવાની છે. આ તબક્કો આરોપીઓ સામે ચાર્જફ્રેમ કરી ટ્રાયલ આગળ ચલાવવી કે કેમ ? તેનો નિર્ણય કરવાનો છે. આરોપીઓ સામે તહોમત ફરમાવી ટ્રાયલ આગળ ચલાવવામાં આવે તે જરૃરી જણાય છે. સમગ્ર દસ્તાવેજો, નિવેદનો, ચાર્જશીટ કાયદાકીય જોગવાઇઓ અને હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓના માર્ગદર્શનને ધ્યાને લેતા આરોપીએ ગુનો કર્યો હોવાનું કોર્ટે માનવા પૂરતું કારણ જણાય છે. જેથી, તમામની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરવામાં આવે છે.