Get The App

તત્કાલીન પીએસઆઈ સહિત છ પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધવા કોર્ટનો આદેશ

Updated: Apr 17th, 2025

GS TEAM


Google News
Google News
તત્કાલીન પીએસઆઈ સહિત છ પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધવા કોર્ટનો આદેશ 1 - image


પાટડીના ગેડીયા ગામે પોલીસ ફાયરિંગમાં પિતા-પુત્રના મોતનો કેસ

ચાર વર્ષ અગાઉ અસામાજીક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સના મકાનમાં ચેકિંગ દરમિયાન તકરારમાં મામલો બિચકતા ગોળીબાર થયો હતો ઃ ધ્રાંગધ્રા ચીફ કોર્ટનો જવાબદાર કર્મચારીઓ કાર્યવાહી કરવા હૂકમ

સુરેન્દ્રનગર: પાટડી તાલુકાના ગેડીયા ગામે વર્ષ ૨૦૨૧માં તત્કાલીન પીએસઆઈ સહિતના સ્ટાફ દ્વારા ગેડીયા ગામે રહેતા અને અસામાજીક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ શખ્સોના રહેણાંક મકાનમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન પોલીસ સાથે બોલાચાલી અને રકઝક થયા બાદ  મામલો ઉગ્ર બનતા પોલીસ દ્વારા એક શખ્સને ખાનગી ગાડીમાં બેસાડી દીધા હતા.  પરિવારજનોએ દ્વારા બોલાચાલી કરતા તત્કાલીન પીએસઆઈ દ્વારા ફાયરીંગ કરવામાં આવતા પિતા-પુત્રના મોત નીપજ્યા હતા. આ મામલે મૃતકની પુત્રીએ ફાયરીંગ કરનાર પોલીસ અધિકારી અને કર્મચારી સહિત કુલ ૭ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ધ્રાંગધ્રા ચીફ કોર્ટ દ્વારા તત્કાલીન પીએસઆઈ સહિત તમામ પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

ગેડીયા ગામે ગત તા.૬ નવેમ્બર ૨૦૨૧ના રોજ બજાણા પોલીસ મથકના તત્કાલીન પીએસઆઈ વિરેન્દ્રસિંહ એન. જાડેજા સહિત અન્ય ૬ પોલીસ કર્મચારીઓ ખાનગી વાહન લઈને અસામાજીક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હનીફખાન મલેકના ઘેર ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન આરોપીએ પોલીસ સાથે રકઝક કરતા મામલો ઉગ્ર બનતા પોલીસ હનફ ખાનને ખાનગી ગાડીમાં બેસાડી પોલીસ મથકે લઈ જઈ રહ્યા હતાં.

તે દરમિયાન હનીફખાનનો ૧૪ વર્ષનો સગીરવયનો પુત્ર નદીમખાને પીએસઆઈ સહિતના સ્ટાફ સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા તત્કાલીન પીએસઆઈ દ્વારા નદીમખાનના છાતીમાં ફાયરિંગ કરી ગોળી મારી દેતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું. ત્યાર બાદ હનીફખાન મલેકને પણ છાતીમાં ફાયરીંગ કરી ગોળી મારતા મોત નિપજ્યું હતું. આ મામલે તત્કાલીન પીએસઆઈ સહિતનાઓ દ્વારા સ્વબચાવ માટે પરિવાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

સામે પક્ષે મૃતક હનીકખાનની પુત્રી સુુહાનાબેન મલેકે પણ તત્કાલીન પીએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજા, રાજેશભાઈ સવજીભાઈ, શૈલેષભાઈ પ્રહલાદભાઈ,  કિરિટભાઈ ગણેશભાઈ,  દિગ્વિજયસિંહ હરદિપસિંહ, પ્રહલાદભાઈ પ્રભુભાઈ અને મનુભાઈ ગોવિંદભાઈ સહિતનાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ધ્રાંગધ્રા ચીફ કોર્ટ દ્વારા તત્કાલીન પીએસઆઈ સહિત તમામ પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરતા ચકચાર મચી જવા પામી છે.

Tags :