આરોપીઓને માર મારવા મામલે બોટાદના તત્કાલીન ડીવાયએસપી.વિરુદ્ધ કાર્યવાહીનો કોર્ટનો આદેશ
- બોટાદ પોલીસે ત્રણ શખ્સની જુગારના કેસમાં કરી ધરપકડ હતી
- આરોપીઓ દ્વારા કોર્ટમાં કરવામાં આવેલ ફરિયાદ મામલે હુકમ કરવામાં આવ્યો
બોટાદ : બોટાદ પોલીસે ચાર વર્ષ પહેલાં જુગારધારાની કલમ હેઠળ ઝડપેલા ત્રણ આરોપીને તત્કાલીન ડી.વાય.એસ.પી. દ્વારા પટ્ટા વડે માર મારી રૂપિયાની માંગણી કરી હતી અને રૂપિયા ન આપે તો વધુ માર મારવાની ધમકી આપી હતી.આ મામલે જુગાર કેસમાં ઝડપાયેલા ત્રણ વ્યક્તિએ કોર્ટમાં કરેલી ફરિયાદની સુનાવણી બાદ બોટાદના સેકન્ડ એડિશનલ જ્યુડી. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એ તત્કાલીન ડી.વાય.એસ.પી.વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૩૨૩,૫૦૪ અને ૫૦૬(૧) મુજબ કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.
આ કેસ અંગે પ્રાપ્ત વિગત અનુસાર બોટાદ પોલીસ મથકના તત્કાલીન પી.એસ.આઇ. કરમટીયા અને સ્ટાફ દ્વારા ગત.તા.૧૨/૧૦/૨૦૨૦ ના રોજ સાંજના સમયે પાળીયાદ રોડ પર આવેલ શુભમ કામ્પ્લેક્સની એક ઓફિસમાં દરોડો પાડી જનક્સિંહ ભગવાનભાઈ ગોહિલ,વિપુલભાઈ જગુભાઈ ખુમાણ અને યશપલસિંહ ઘનશ્યામસિંહ ગોહિલની જુગારધારાની કલમ ૪ અને ૫ મુજબ ધરપકડ કરી હતી.ધરપકડ બાદ ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા ત્રણેય દ્વારા ચીફ જયુડી. મેજિસ્ટ્રેટ સમક્ષ તત્કાલીન ડી.વાય.એસ.પી. રાજદીપસિંહ નકુમ રાત્રિના પોલીસ સ્ટેશને આવ્યા હતા. અને રૂ.પાંચ લાખની માંગણી કરી ગાળો આપી પટ્ટા વડે માર મારી ઇજા પહોંચાડી હતી.કોર્ટે ત્રણેયને સાંભળીને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા,ત્યાર બાદ ત્રણેય જામીન ઉપર મુક્ત થયા હતા.કોર્ટ સમક્ષ કરવામાં આવેલી રજૂઆતમાં સમાધાન માટે દબાણ કરીને પોલીસ દ્વારા તેમના પરિવારના સભ્યોને પણ ખોટા કેસમાં ફસાવી દીધા હતા.આ કામે અદાલતે ફરિયાદ પક્ષના વકીલની રજૂઆત,રજુ થયેલ ફરિયાદ,ફરિયાદનું વેરીફીકેશન,કોર્ટ ઇન્કવાયારીમાં લેવાયેલ ફરિયાદી અને સાહેદોના નિવેદન,મેડિકલ ઓફિસરનું,નિવેદન,સારવાર સટફિકેટ વગેરે ધ્યાને લઇ તત્કાલીન ડી.વાય.એસ.પી.રાજદીપસિંહ નકુમ દ્વારા આરોપીઓને પટ્ટા વડે માર મારી ધમકી આપ્યાનું પ્રથમદશય રીતે ફલિત થતું હોય બોટાદના સેકન્ડ એડિશનલ જ્યુડી મેજિસ્ટ્રેટ રવીન્દ્રકુમાર દ્વારા તત્કાલીન ડી.વાય.એસ.પી. વિરુદ્ધ આઇ.પી.સી. ૩૨૩,૫૦૪,૫૦૬(૧) મુજબ કાર્યવાહી કરવા હુકમ કર્યો છે.