ડાકોરમાં 71.34 કરોડના તકલાદી ફ્લાયઓવર મામલે R&B વિભાગ, એજન્સીને કોર્ટની નોટિસ
- સબસ્ટાન્ડર્ડ કામ કર્યું હોવાથી ફોરેન્સિક તપાસની માંગણી
- ભરૂચની મંગલમ બિલ્ડકોન (આઈ) પ્રા. લિ. એજન્સીએ બનાવેલા બ્રિજમાં ૪ મહિનામાં જ ગાબડા પડતા કોર્ટમાં ફરિયાદ ઃ એજન્સી અને સરકારી વિભાગોએ કોર્ટના હુકમની અવગણના કરી
૪ વર્ષ પૂર્વે રાજ્યના તત્કાલિન નાયબ મુખ્યમંત્રીએ મહેમદાવાદ ખાતે ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ દરમિયાન ડાકોરમાં ફ્લાય ઓવરબ્રિજ મંજૂર કર્યો હતો. ફ્લાય ઓવરબ્રિજનું ટેન્ડરિંગ કર્યા બાદ ૭૧.૩૪ કરોડ રૂપિયાની મંજૂરી સાથે માર્ગ અને મકાન (રાજ્ય)ના ડાકોર વિભાગ દ્વારા શ્રી મંગલમ બિલ્ડકોન (આઈ) પ્રા. લિ., ભરુચને કામ સોંપ્યું હતું. જો કે, આ કામગીરી અંદાજે ત્રણેક વર્ષ સુધી ચાલી હતી અને ચાલુ વર્ષે ૨૦૨૪ની શરૂઆતમાં જ આ બ્રિજનું લોકાર્પણ કરાયું હતું. લોકો માટે ખુલ્લો મુકાયાના ચારેક મહિનામાં જ ફ્લાય ઓવરબ્રિજના રોડ પર ગાબડા પડી ગયા હતા અને અનેક પ્રકારના નુકસાન થયાનું સામે આવ્યું હતું. તે વખતે જ આ બ્રિજની કામગીરી તકલાદી અને ભ્રષ્ટાચારની પણ આશંકાઓ સેવાઈ હતી.
આ સમગ્ર મામલે નડિયાદના શૈલેષ પટેલ દ્વારા મામલો નડિયાદ કોર્ટમાં દાખલ કરાયો છે. જ્યાં કોર્ટમાં આ રોડની કામગીરીમાં માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગના કાર્યપાલક ઈજનેર બી.ટી. સાલ્વી (હાલ નિવૃત્ત) તથા કાર્યપાલક ઈજનેર વિવેક જામ, ડાકોર વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર પ્રતિક સોની અને કામ કરનારી એજન્સી મંગલમ બિલ્ડકોન સહિત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ સામે ફરિયાદ કરી છે. આ બ્રિજની કામગીરીમાં ગુણવત્તા વગરનું મટીરીયલ વાપરી અને સરકારી ધારાધોરણોની અવગણના કરી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ ભ્રષ્ટાચાર આચરવા કામમાં વેઠ ઉતારી હોવાનું ફરીયાદમાં જણાવ્યું છે. ત્યારે કોર્ટે ગંભીરતા જોઈ અને ફરિયાદ દાખલ કરી ઉપરોક્ત તમામને નોટિસો બજાવી છે. જો કે, કોર્ટે નોટિસો બજાવી હોવા છતાં અને મુદ્દતો પડી હોવા છતાં સરકારી વિભાગોએ કોર્ટમાં હાજર થયા નથી. તો આ તરફ ફરીયાદી દ્વારા કોર્ટ સમક્ષ આ બ્રિજની ફોરેન્સિક તપાસ માટે માંગણી કરાઈ છે.
- માર્ચમાં લોકાર્પણ, જુલાઈમાં ગાબડા
માર્ચ,૨૦૨૪માં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યાના ચાર માસના ટુંકા સમયમાં એટલે કે, જુલાઈ, ૨૦૨૪માં આ બ્રિજ પર પ્રથમ વરસાદ દરમિયાન જ ગાબડા પડી ગયા હતા. તે વખતે પણ બ્રિજની કામગીરી સામે પ્રશ્નો સર્જાયા હતા.
- બ્રિજ અને સંરક્ષણ દિવાલ વચ્ચે ગેપ પડી ગઈ હતી
ડાકોર બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ આ બ્રિજમાં ખૂબ ટુંકા ગાળામાં વખતોવખત ખામીઓ સામે આવી હતી, વરસાદ દરમિયાન ગાબડા પડતા સળિયા બહાર દેખાઈ ગયા હતા. તો વળી, બ્રિજ અને સંરક્ષણ દિવાલ વચ્ચે મોટી ગેપ ખુલ્લી થઈ ગઈ હતી. જે તમામનું એજન્સી દ્વારા સમારકામ કરવામાં આવ્યું હતું.