પાટણ ડમી કાંડમાં સાત વર્ષે આવ્યો ચુકાદો, ત્રણ આરોપીને એક વર્ષની જેલ, દસ-દસ હજાર દંડ
Patana Dummy Student Case: પાટણના 7 વર્ષ જૂના સૌથી ચર્ચિત ડમીકાંડ કેસમાં જ્યુડિશિયલ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ડમી કાંડ કેસમાં કોર્ટે ત્રણ ડમી પરીક્ષાર્થીને એક વર્ષની જેલ અને દસ-દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વર્ષ 2018માં પાટણના માંડોત્રી નજીક આવેલી લોર્ડ ક્રિષ્ના સાયન્સ સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં ધોરણ 10ની પરીક્ષામાં ત્રણ ડમી ઉમેદવારે પરીક્ષા આપી હતી. જેને લઇને બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ મામલો કોર્ટમાં જતાં જ્યુડિશિયલ કોર્ટે ચુકાદો સંભળાવતાં ત્રણ ડમી ઉમેદવારને સજા ફટકારી છે. સુનાવણી દરમિયાન બે આરોપી ગોવિંદ ઠાકોર અને આસીફખાન મલેક હાજર રહ્યા હતા, જ્યારે ભરત ચૌધરી કોર્ટમાં હાજર ન રહેતાં તેની સામે સજા વોરન્ટ ઇશ્યૂ કરવાનો આદેશ આપ્યો હતો. આ આરોપીને એક વર્ષની સાદી જેલ અને દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત જો આરોપીઓ દંડ ન ભરે તો તેમને વધુ બે માસની સાદી જેલની સજા ફટકારી છે.
કોર્ટમાં ચુકાદો સંભળાવતી વખતે જજ યુ.એસ.કાલાણીએ કહ્યું હતું કે બંને પક્ષની દલીલ સાંભળવામાં આવી છે. આ કેસમાં આરોપીઓએ શાળાને છેતરવાના ઇરાદેથી પરીક્ષાર્થીઓના બદલે ડમી ઉમેદવાર બેસાડવામાં આવ્યા હોવાના આક્ષેપો સાચા સાબિત થયા છે. આરોપીએ શાળા અને બોર્ડને છેતરવાનો પ્રયત્ન કર્યો છે જેના લીધે બોર્ડની શાખને નુકસાન પહોચ્યું છે. છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારના ગુના વધતા જાય છે. જેથી આ ગુનાના આરોપીઓને સજા ફટકારી સમાજમાં દાખલો બેસાડવો જરૂરી છે.
કોર્ટના આ ચુકાદાથી બીજી વાર કોઇ વ્યક્તિ આ પ્રકારે કાર્ય કરતાં સો વાર વિચાર કરશે. સાત વર્ષ જૂના આ કેસમાં લાંબા સમયથી ચુકાદાની રાહ જોવાઇ રહી હતી. કોર્ટના ચુકાદા બાદ લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.