Get The App

કેવી કરુણાંતિકા: 17 વર્ષ બાદ સંતાનનો જન્મ થયો હતો, વડોદરા હોડી દુર્ઘટનામાં દંપતીના બંને બાળકોના મોત

હોડી દુર્ઘટના મામલે 18 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
કેવી કરુણાંતિકા: 17 વર્ષ બાદ સંતાનનો જન્મ થયો હતો, વડોદરા હોડી દુર્ઘટનામાં દંપતીના બંને બાળકોના મોત 1 - image


Vadodara Boat Accident: વડોદરાના ગુરુવારે હરણી તળાવમાં 27 લોકોને લઈને જતી એક હોડી પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં 15 બાળકો અને બે શિક્ષકોના મૃત્યુ નીપજ્યા હતાં. આ દુર્ઘટનાને કારણે અનેક હસતા-હસતા ઘરોમાં માતમ છવાય છે. ત્યારે દંપતીના લગ્નના 17 વર્ષ બાદ જન્મેલા બંને બાળકો હોડી દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતાં. 

લગ્નના 17 વર્ષ બાદ સંતાનો જન્મ્યા

અહેવાલ અનુસાર, વડોદરાના આજવા રોડ પર રહેતા દંપતીને ત્યા લગ્નના 17 વર્ષ બાદ એક પુત્ર અને એક પુત્રી જન્મ થયો હતો. હોડી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આ દંપતની બે બાળકોમાં દીકરો બીજા વર્ગમાં અને દિકરી ત્રીજા વર્ગમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા.જોકે, આ દંપતી યુકેમાં રહે છે, બાળકોના મૃત્યુના સમાચાર મળતાં તેઓ વતન પરત ફરી રહ્યા છે. બંને બાળકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને દંપતીના આગમન બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

વડોદરા હોડી દુર્ઘટના મામલે હાઈકોર્ટે ઝાટકણી કાઢી

વડોદરા હોડી દુર્ઘટનાનો મામલો ગુજરાતા હોઈકોર્ટ સુધી પહોંચ્યો છે. હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ કરવાની રજૂઆતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. હાઈકોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું કે,' બેદરકારીના કારણે નિર્દોષ બાળકોના જીવ ગયા તે સાંખી નહીં લેવાય.' હાઇકોર્ટના એડવોકેટ એસોસિયેશનના પ્રમુખે હાઈકોર્ટમાં રજૂઆત કરતા કહ્યું હતું કે, થોકબંધ લાઈફ જેકેટ હોવા છતા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા ન હતા. શાળા સંચાલકોએ કોન્ટ્રાક્ટર પર આરોપ લગાવ્યો હતો કે લાઈફ જેકેટની માંગણી કરી હોવા છતાં અપાયા ન હતા. તો બીજી તરફ DEOએ પણ શાળાને આ બેદરકારી માટે જવાબદાર ઠેરવતા કહ્યું કે 'પ્રવાસને લઈને કોઈ પરવાનગી લેવામાં આવી નહોતી. લાઈફ જેકેટ વગર બાળકોને હોડીમાં બેસાડવાની જરૂર ન હતી.'

તપાસ માટે SITની રચના

વડોદરા હોડી દુર્ઘટનાને લઈને પોલીસ કમિશનર દ્વારા SIT ની રચના કરવામાં આવી છે. ઘટનાની તપાસ થાય તે માટે ઉચ્ચ અધિકારીઓની સાત સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. જોઈન્ટ CP મનોજ નિનામા SITના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ દુર્ઘટના મામલે 10 દિવસમાં જિલ્લા મેજિસ્ટ્રેટને રિપોર્ટ સોંપવામાં આવશે.

18 વિરુદ્ધ ફરિયાદ, બોટ ચલાવનારની ધરપકડ

વડોદરામાં બનેલી આ દુર્ઘટના માટે જવાબદાર એવા 18 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બોટ ચલાવનાર નયન ગોહિલ અને બોર્ટના ગાર્ડ અંકિત પરમારની ધરપકડ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરના ત્રણ ભીગીદારોની પણ ધરપકડ કરવામાં આવશે. જોકે, કોન્ટ્રાક્ટર પરેશ શાહ હાલ ફરાર છે.


Google NewsGoogle News