સસ્તા દરે ડોલર મેળવવાની લાલચે ઓડ ગામના દંપતીએ 24.10 લાખ ગુમાવ્યા
વિદેશમાં ધંધો કરવા કરન્સી એક્સચેન્જ માટે સંપર્ક કર્યો હતો
વડોદરાની રિયા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના કર્મચારી અને સુરતની મહિલા સામે ગુનો : મહિલાએ અપશબ્દો બોલી ધમકી આપી
ઓડ ગામે રહેતા ધર્મેશભાઈ પૂનમભાઈ રાણા અને તેમના પત્ની અગાઉ વિદેશ ટુર પર ગયાં હતાં, ત્યારે વિદેશમાં ખાણીપીણીનો વ્યવસાય સારો ચાલી શકે તેમ હોવાથી ધંધો કરવા નાણાંની બચત કરી હતી. દંપતીએ એર ટિકિટ અને કરન્સી એક્સચેન્જ માટે વડોદરાની રિયા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં નોકરી કરતા મહેશભાઈ જેઠાભાઈ ગઢવી (રહે. શિવનગર સોસાયટી, જૂના મોગરી રોડ, આણંદ)નો સંપર્ક કર્યો હતો.
ત્યારે મહેશભાઈએ લીનાબેન અમિતભાઈ મહેતા (રહે. સુરત)નું મુંબઈથી કરન્સી એક્સચેન્જનું મોટું કામ છે અને તે સસ્તા દરે ડોલર અપાવે છે તેમ જણાવતા દંપતીએ તા.૯ જૂન ૨૦૨૪ના રોજ રૂ.૧૬.૯૮ લાખ આપ્યા હતા અને ફોનથી મહેશભાઈ અને લીનાબેન સાથે વાતચીત કરી હતી. જોકે, ડોલરનું કામ ન થતાં ધર્મેશભાઈએ નાણાં પરત માંગતા મહેશભાઈએ રકમ પરત કરી, રૂ.૨.૭૦ લાખ બાકી રાખ્યા હતા.
બાદમાં ડોલર લેવા બાબતે ફરી એકવાર મહેશભાઈ સાથે વાત થતાં તેણે બે દિવસમાં ડોલર આપવાનો વિશ્વાસ આપી લીનાબેન સાથે વાત કરાવતા ધર્મેશભાઈએ લીનાબેનના નામે આંગડિયા મારફતે રૂ.૨૧.૪૦ લાખ મોકલ્યા હતા અને મહેશભાઈ પાસેથી બાકી નીકળતા રૂ.૨.૭૦ લાખ મળી કુલ રૂ.૨૪.૧૦ લાખના ડોલર લેવાનું નક્કી થયું હતું. બાદમાં બંને શખ્સો બહાના બતાવી, નાણાં ફસાઈ ગયા હોવાથી બે દિવસમાં ચુકવી આપીશું તેમ જણાવ્યું હતું. ગત તા.૧૭ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ ધર્મેશભાઈએ લીલાબેનને ફોન કરી નાણાં માંગતા તેણે અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી મહેશભાઈને લઈને ધર્મેશભાઈ સુરત લીનાબેનને મળવા ગયા હતા. ત્યારે લીનાબેન અને તેનો પતિ કરોડોનું ફૂલેકું ફેરવી રફૂચક્કર થઈ ગયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ અંગે ધર્મેશભાઈએ આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મહેશ ગઢવી અને લીનાબેન મહેતા સામે ગુનો નોંધ્યો હતો.