રીક્ષા ચાલકે વ્યાજે લીધેલા રૂ.45 હજારની પઠાણી ઉઘરાણી કરી દંપતીએ બળજબરીપૂર્વક રૂ.68 હજાર પડાવ્યા
પૈસા પડાવ્યા બાદ પણ વ્યાજખોર યુવાને વ્યાજના રૂ.2 લાખ બાકી છે તેમ ધમકી આપતા રીક્ષા ચાલકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો
દંપતી પૈકી મહિલા રીક્ષા ચાલકની પત્નીની સહેલી છે : ફરિયાદ નોંધાતા ફરાર થઈ ગયા
- પૈસા પડાવ્યા બાદ પણ વ્યાજખોર યુવાને વ્યાજના રૂ.2 લાખ બાકી છે તેમ ધમકી આપતા રીક્ષા ચાલકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો
- દંપતી પૈકી મહિલા રીક્ષા ચાલકની પત્નીની સહેલી છે : ફરિયાદ નોંધાતા ફરાર થઈ ગયા
સુરત, : સુરતના ઉન ભીંડી બજારમાં રહેતો રીક્ષા ચાલક તેની પત્નીની સહેલી અને તેના પતિ પાસે વ્યાજે લીધેલા રૂ.45 હજારની સામે નિયમિત વ્યાજ નહીં ચૂકવી શકતા દંપતીએ પઠાણી ઉઘરાણી કરી બળજબરીપૂર્વક રૂ.68 હજાર પડાવ્યા હતા.પૈસા પડાવ્યા બાદ પણ વ્યાજખોર યુવાને વ્યાજના રૂ.2 લાખ બાકી છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા રીક્ષા ચાલકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે છેવટે રીક્ષા ચાલકે ગતરોજ દંપતી વિરુદ્ધ લીંબાયત પોલીસ મથકમાં ખંડણીની ફરિયાદ નોંધાવતા દંપતી ફરાર થઈ ગયું છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉન ભીંડી બજાર હુશેનીયા મસ્જીદ ગુલશન નગર ઘર નં.124 માં પત્ની નસીમબાનુ અને ચાર બાળકો સાથે રહેતા 36 વર્ષીય રીક્ષા ચાલક મુદસ્સર મુબીન ખાને બકરા ઈદના તહેવાર માટે પૈસાની જરૂર હોય પત્નીની સહેલી નજમા અને તેના પતિ નાશીરના લીંબાયત ગોવિંદનગરના ઘરે જઈ રૂ.15 હજાર વ્યાજે લીધા હતા.વ્યાજના પૈસા તેણે રોજના રૂ.600 લેખે એક મહિના સુધી એટલે કુલ રૂ.18 હજાર આપવાના હતા.તે રકમ ચૂકવ્યાના બે મહિના પછી ફરી મુદસ્સરને પૈસાની જરૂર પડતા તેણે ત્રણ વખત રૂ.15 હજાર મળી કુલ રૂ.45 હજાર વ્યાજે લીધા હતા.જોકે, ધંધો બરાબર ચાલતો ન હોય તે સમયસર શરત મુજબ રોજના રૂ.1800 લેખે પૈસા થોડા દિવસ બાદ ચૂકવી શક્યો નહોતો.
આથી નાશીરે પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી.તેથી મુદસ્સરે મિત્રો પાસેથી પૈસા ઉછીના લઈ રૂ.45 હજારની સામે રૂ.68 હજાર પેનલ્ટી સાથે તેને આપી દીધા હતા.તેમ છતાં મુદસ્સર ગત 19 મે ના રોજ સાંજે લીંબાયત મારુતિનગર સર્કલ પાસે રીક્ષા લઈ ઉભો હતો ત્યારે નાશીર તેની પાસે આવ્યો હતો અને તારે ક્યારે પૈસા આપવાના છે, તારા આજદિન સુધીના વ્યાજનું વ્યાજ સાથે રૂ.2 લાખ આપવાના થાય છે, તું ક્યારે આપીશ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બાદમાં નાશીર અને તેની પત્ની નજમાએ મુદસ્સરની પત્ની નસીમબાનુને પણ ફોન કરી વ્યાજના પૈસા માટે ગાળો આપી હતી.ગભરાયેલા મુદસ્સરે તેથી 23 મે ના રોજ કડોદરા નીલમ હોટલ પાસે વાચા પાવડર પી જઈ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
સારવાર બાદ ઘરે પહોંચેલા મુદસ્સરે પરિવારજનો સાથે ચર્ચા વિચારણા બાદ ગતરોજ હાલ લીંબાયત મમતા ટોકીઝ પાસે રહેતા નાશીર તથા તેની પત્ની નજમા વિરુદ્ધ લીંબાયત પોલીસ મથકમાં ખંડણીની ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ નોંધાતા જ બંને ફરાર થઈ ગયા છે.વધુ તપાસ એએસઆઈ સાજીદખાન સવેખાન કરી રહ્યા છે.