ગોંડલનાં મોટી ખીલોરીની કોલપરી નદીમાં ઇકો કાર તણાતા દંપતીના મોત : પુત્ર લાપતા
ફાયર બ્રિગેડના તરવૈયાઓ તથા એનડીઆરએફ દ્વારા શોધખોળ : નદીના કોઝવે પર વહેતા અઢીથી ત્રણ ફૂટ જેટલાં પાણીના પ્રવાહમાંથી કાર કાઢવા જતા બાબરા તાલુકાના રાયપર ગામે રહેતો પરિવાર તણાયો
ગોંડલ, : ગોંડલ તાલુકાનાં મોટીખીલોરી ગામની કોલપરી નદીનાં કોઝવે પર વહેલી સવારે પસાર થઈ રહેલી ઇકો કાર પાણીનાં પ્રવાહમાં તણાઇ નદીમા ખાબકતા નદીના પુરમાં કાર તણાઇ હતી.તેમાં બેઠેલો બાબરા તાલુકાનાં રાયપર ગામે રહેતો પરીવાર લાપતા બની જતા ફાયર બ્રિગેટની ટીમ તથા એનડીઆરએફની મદદ લેવાતા શોધખોળ દરમિયાન ઇકો કાર મળી આવી હતી.ત્યાર બાદ બનાવના સ્થળથી 200 મીટર દૂરથી પતિ તથા પત્નીના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે પુત્ર હજુ લાપતા છે.
પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા ચાર દિવસ થી સર્વ ભારે વરસાદ પડી રહ્યો છે. ગોંડલના મોટી ખીલોરી ગામ પાસેની કોલપરી નદીમાં ઘોડાપુર આવ્યુ હતું.દરમિયાન સવારે સવા પાંચના સુમારે બાબરા તાલુકાનાં રાયપર ગામે રહેતા જયેશભાઈ પરસોતમભાઈ રાદડીયા (ઉ.વ. 40) તેમના પત્નિ સોનલબેન (ઉ.વ. 39) તથા પુત્ર ધર્મેશ (ઉ.વ. 11)ઇકો કાર લઇ મોટી ખિલોરી જઇ રહ્યા હતા. તે વેળા વાસાવડ અને મોટી ખીલોરી ગામ વચ્ચે નદી પરનાં કોઝવે પર થી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કોઝવે પર અઢી થી ત્રણ ફુટ ઉંચે વહેતા પાણીનાં તિવ્ર પ્રવાહમાં ઇકો કાર તણાઇ હતી.અને પલભરમાં નદીમાં આવેલા પુરમાંકાર લાપતા બની હતી.
બનાવની જાણ ગ્રામજનો અને આગેવાનોને થતા દોડી આવી ગોંડલ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના તરવૈયાઓ સાથેની ટીમ દોડી આવી નદીમાં શોધખોળ શરૂ કરી હતી.મોડેથી ઇકો કાર મળી આવી હતી.પાણીનાં પ્રવાહમાં લાપતા બનેલા પરીવારની શોધખોળ માટે એનડીઆરએફની મદદ લેવાતા શોધખોળ દરમિયાન બપોર પછી બનાવના સ્થળેથી 200 મીટરથી જયેશભાઈ તથા સોનલબેનના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે પુત્ર ધર્મેશ હજુ લાપતા છે.