Get The App

તમારી લીઝમાં અમારી પાંચ ગાડી ચલાવવી પડશે કહી દંપતી અને તેના પુત્ર પર હુમલો

Updated: Feb 3rd, 2025


Google NewsGoogle News
તમારી લીઝમાં અમારી પાંચ ગાડી ચલાવવી પડશે કહી દંપતી અને તેના પુત્ર પર હુમલો 1 - image


જામનગર તાલુકાના ધ્રાંગડા ગામનો બનાવ

સામા પક્ષે પણ યુવાન દ્વારા ત્રણ શખ્સોએ હુમલો કર્યાની વળતી ફરિયાદ

જામનગર :  જામનગર તાલુકાના ધ્રાંગડા ગામમાં રહેતા અને રેતીની લીઝ ધરાવતા એક બુઝુર્ગે પોતાના ઉપર તેમજ પોતાના પત્ની અને પુત્ર ઉપર હુમલો કરી દઈ ઇજા પહોંચાડવા અંગે ધ્રાંગડા ગામના ૪ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. તમારી લીઝની જમીનમાં અમારી પાંચ ગાડી ચલાવવા દેવી પડશે, અને જો તે ગાડી ચલાવવા નહીં આપો તો અમોને પૈસા આપવા પડશે, તેમ કહી ધાકધમકી આપ્યાની હડધૂત કરવા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. જયારે સામા પક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવાઈ છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ધ્રાંગડા ગામમાં રહેતા કરસનભાઈ દેવશીભાઈ મકવાણા નામના ૮૨ વર્ષના બુઝુર્ગ કે જેઓએ પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર નરેશ અને પોતાના પત્ની રૃડીબેન પર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે એઝાઝ સુમાર સફિયા, ઈકબાલ સુમાર સફિયા, યાકુબ સુમાર સફિયા અને રાજેશ નાનજી દેવીપુજક સામે પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને જામનગર ગ્રામ્ય વિસ્તારના ડી.વાય.એસ.પી. એ ગુનો નોંધ્યો છે, અને તપાસ શરૃ કરી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીની લીઝની જમીનમાં આરોપીઓ ઘૂસી ગયા હતા, અને ખાંભા વગેરે કાઢી નાખ્યા હતા. જે અંગે તેઓને રોકવા જતાં ચારેય આરોપીઓએ તમારી લીઝની જમીનમાં અમારી પાંચ ગાડી ચલાવવા દેવી પડશે, અને જો ગાડી ચલાવવા નહીં આપો તો અમને પૈસા આપવા પડશે. જેની ના પાડતાં ચારેય આરોપીઓ ઉસકેરાયા હતા અને આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.

 આ ઉપરાંત સામા પક્ષે યાકુબ સુમારભાઈ જખરાએ પોતાના ઉપર તેમજ પોતાના ભાઈ ઉપર હુમલો કરવા અંગે રમેશભાઈ કરસનભાઈ મકવાણા તેમજ નરસિંભાઈ કરસનભાઈ મકવાણા અને અતુલ રમેશભાઈ મકવાણા સામે વળતી ફરિયાદ નોંધાવી છે.  જેઓ લિઝ માં રેતી કાઢતા હોવાથી પોતાનો ભાઈ રજાક વિડીયો ઉતારી રહ્યો હોવાથી તમામ આરોપીઓએ ઉસકેરાઈ જઇ આ હુમલો કરી દીધા નું પોલીસમાં જાહેર કરાયું છે.


Google NewsGoogle News